નવી દિલ્હીઃ દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા દંપતીને સ્પેશિયલ સેલ દ્વારા અદાલત સમક્ષ હાજર કરવામાં આવ્યાં હતાં. અદાલતમાં સ્પેશિયલ સેલ પોતાના પક્ષે દલીલ કરતા જણાવ્યું કે, આ દંપતીને સમગ્ર ષડ્યંત્ર બાબતે પુછપરછ કરવી જરૂરી છે. આ ઉપરાંત ISIS સાથે જોડાયેલા નેટવર્કનો પણ પર્દાફાશ કરવાનો છે. આ ષડ્યંત્રમાં જોડાયેલા લોકોની પણ ધરપકડ કરવાની છે. આ દલીલ બાદ અદાલતે 17મી માર્ચ સુધી પોલીસ રિમાંડ મંજૂર કર્યા છે.
DCP પ્રમોદ કુશવાહાના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ સેલ દ્વારા અટકાયત કરાયેલા દંપતીની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે દેશદ્રોહની કલમ અંતર્ગત ગુના દાખલ કરવામાં આવ્યા છે. પોલીસને આ દંપતીના ઘરેથી 4 મોબાઈલ, 1 લેપટોપ, એક હાર્ડ ડિસ્ક અને અન્ય શંકાસ્પદ સામાન મળી આવ્યો છે. આ સામાન જપ્ત કરી પોલીસે ફોરેન્સીક તપાસ કરવા મોકલી આપ્યો હતો. આ સામાનનો ઉપયોગ તેઓ સોશિયલ મિડિયા જેવા કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ટેલીગ્રામ જેવા માધ્યમોથી લોકોને ISISની વિચારધારા સાથે જોડતા હતા. આ દંપતી સામે U/s 120 B, 124A/153A IPC અને 13/20 UAP એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો છે.