નવી દિલ્હી: આજે સુનાવણી દરમિયાન તુષાર મહેતાએ કહ્યું હતું કે, તમામ અરજીઓ પર એકસમાન જવાબ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે જમિયત ઉલેમા-એ-હિંદના વકીલે કહ્યું કે, તેઓને જવાબની નકલ આપવામાં આવી નથી. જમિયતે કહ્યું કે તે દિલ્હી હિંસા અંગે દિલ્હી લઘુમતી પંચના સૂચનોનું સમર્થન કરે છે. જમિયતે લઘુમતી પંચની ભલામણો કોર્ટ સમક્ષ રાખવાની મંજૂરી માગી હતી. ત્યારબાદ તુષાર મહેતાએ અરજદારને કહ્યું કે તેમણે જે રિપોર્ટ રેકોર્ડમાં રાખ્યો છે, તેના પર કાયમ રહેવું જોઈએ. જો દિલ્હી લઘુમતી પંચ દ્વારા જવાબ દાખલ કરવામાં આવે તો તેઓ તેમનો જવાબ દાખલ કરશે.
જમિયતે કહ્યું હતું કે, વીડિયો ફૂટેજને સુરક્ષિત કરવાના કોર્ટના પહેલાના આદેશનું પાલન કરવામાં આવી રહ્યું નથી. જમિયતે કહ્યું કે, ફૂટેજ સાચવવા અંગે દિલ્હી પોલીસે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ત્યારબાદ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, અરજદારે વીડિયો ફૂટેજ પોલીસ સમક્ષ રજૂ કર્યા નથી. તુષાર મહેતાએ જમિયતને ખાતરી આપી હતી કે, તેમને દિલ્હી પોલીસનો જવાબ મળશે. ત્યારબાદ કોર્ટે તમામ પક્ષોને જવાબની નકલ પ્રદાન કરવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, હવે જવાબ રજૂ કરવાની કોઈ તક મળશે નહીં.
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા અંગેના વિવાદિત ભાષણમાં દિલ્હી પોલીસે દિલ્હી હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કરતાં કહ્યું કે, ભાજપ નેતાઓ કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર, પરવેશ વર્મા અને અભય વર્મા વિરુદ્ધ કોઈ કેસ બન્યો નથી અને હિંસામાં તેમની ભૂમિકાના કોઈ પુરાવા હજુ સુધી મળ્યા નથી.
દિલ્હી પોલીસે કહ્યું છે કે, કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, વારિસ પઠાણ, કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, ભાજપના નેતા કપિલ મિશ્રા અને પ્રવેશ વર્મા વિરુદ્ધ હેેેટ સ્પીચ અંગે તપાસ કરવામાં આવી રહી છે અને જો જરૂર પડે તો કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હી પોલીસે કહ્યું છે કે, તેણે તુરંત કોઈ ભેદભાવ વિના કાર્યવાહી કરી, જેના કારણે હિંસાની પ્રક્રિયા થોડા દિવસોમાં બંધ થઈ ગઈ અને તે બીજા વિસ્તારોમાં ફેલાય નહીં.
દિલ્હી પોલીસે કહ્યું કે, અરજદારો દ્વારા દાખલ કરેલી અરજીએ જનહિત અરજીનો દુરુપયોગ છે. દિલ્હી પોલીસે કહ્યું કે, અરજદારોએ હિંસાની પસંદ કરેલી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે, જે સ્પષ્ટપણે બતાવે છે કે, તેમનો હેતુ કંઈક બીજો છે. દિલ્હી પોલીસે માગ કરી હતી કે આ અરજી રદ કરવામાં આવે.
27 ફેબ્રુઆરીના રોજ દિલ્હી હાઈકોર્ટે ભડકાઉ ભાષણના કેસમાં એફઆઈઆર નોંધવાની માંગણી કરતી અરજી પર સુનાવણી મુલતવી રાખીને 13 એપ્રિલના રોજ સુનાવણીનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આ કેસમાં પક્ષકાર બનવાની મંજૂરી આપી હતી. હાઈકોર્ટના આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે 4 માર્ચે હાઈકોર્ટને આ કેસની સુનાવણી અંગેનો નિર્ણય જલ્દીથી લેવા નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે 6 માર્ચે હાઇકોર્ટને સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, હાઈકોર્ટે શાંતિ પુન:સ્થાપિત કરવા માટે જરૂરી પગલાં ભરવા જોઈએ.