નવી દિલ્હી: દિલ્હી સરકારને દર મહિને તેના કર્મચારીઓને પગાર ચૂકવવા 3500 કરોડ રૂપિયાની જરૂરિયાત છે. જ્યારે છેલ્લા બે મહિનામાં GST માંથી 1700 કરોડ રૂપિયા મળ્યા છે.
સિસોદીયાનો કેન્દ્ર સરકારને પત્ર
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને નાણાં પ્રધાન મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હી સરકારની આવકનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, ચાલુ નાણાંકીય વર્ષને 2 મહિના થયા છે. આ મહિનાઓમાં દિલ્હી સરકારને GST માંથી 1700 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે ગત વર્ષે નાણાકિય વર્ષના પ્રથમ બે મહિનામાં 7000 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
કોરોના સમયમાં દિલ્હીને મદદ મળી નથી
સિસોદિયાએ કહ્યું કે, કોરોના સંકટમાં રાજ્ય સરકાર પર આર્થિક બોજ પડ્યો છે. તેમાંથી બહાર આવવા કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને આર્થિક પેકેજ આપ્યા છે. પરંતુ દિલ્હી સરકારને કશું મળ્યું નથી. દિલ્હી સરકાર પાસે અધિકારીઓ અને કર્મચારીઓને પગાર ચૂકવવા પણ પૈસા નથી.
સિસોદિયાએ કહ્યું કે, તેમણે કેન્દ્રીય નાણાં પ્રધાનને પત્ર લખીને રૂપિયા 5000 કરોડની રાહત આપવાની માંગ કરી છે. જેથી કોરોના સંકટમાં તમામ અધિકારી, ડોકટર, શિક્ષક અને અન્ય કર્મચારીઓ આ લડાઇનો સામનો કરે છે, તેમને સરકાર વેતન આપી શકે.