નવી દિલ્હીઃ રાજ્યમાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેની સામે કેજરીવાલ સરકાર દરેક મોર્ચે લડાઈ લડી રહી છે. આ લડાઈને વધુ અસરકાર બનાવવા માટે 5T પ્લાન બનાવ્યો છે. આ 5T પ્લાન શું છે એ વિગતવાર જાણીએ...
1. ટેસ્ટિંગ
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સાઉથ કોરિયાની જેમ અમે ખુબ જ મોટા સ્તરે ટેસ્ટિંગ કરવા જઇ રહ્યા છે. પહેલા ટેસ્ટિંગ કિટની સમસ્યા હતી. હવે સુધરી છે. અમે 50,000 લોકોના ટેસ્ટ માટે કિટનો ઓર્ડર આપ્યો છે. 1 લાખ લોકોના રેપિડ ટેસ્ટ માટે કિટનો ઓર્ડર કરી દેવાયો છે. શુક્રવારથી રેપિડ ટેસ્ટ કિટ આવવા લાગશે. કોરોનાના હોટસ્પોટ એરિયામાં રેપિડ ટેસ્ટ કરવામાં આવશે.
2 ટ્રેસિંગ
સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરીને આવા લોકોને સેલ્ફ કોરોન્ટાઇન માટે રખાશે. ટ્રેસિંગ માટે પોલીસનો સાથ સહકાર લેવાશે. અત્યાર સુધીમાં 27202 લોકોના ફોન નંબર આપ્યા છે. તેમનો જીપીએસ લોકેશન ચેક કરવામાં આવે છે. તેની સાથે જ મરકજમાંથી નીકળનારા 2000 લોકોના ફોન નંબર પણ પોલીસને અપાયા છે.
3 ટ્રીટમેન્ટ
દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 525 કેસ સામે આવ્યા છે. લગભગ 3,000 બેડ સુધીની તૈયારી કરાઈ છે. એલએનજેપી, જીબી પંત, રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને કોરોના હોસ્પિટલ જાહેર કરાઇ છે. જ્યારે 400 બેડ પ્રાઇવેટ હોસ્પિટલમાં રિઝર્વ કરાયા છે. કોરોના કેસની સંખ્યા વધવાની સાથે જ અમે સામાન્ય હોસ્પિટલને કોરોના હોસ્પિટલમાં બદલી લઇશું. તેની સાથે જ હોટલ અને ધર્મશાળા પણ ટેકઓવર કરવામાં આવશે.
4 ટીમ વર્ક
કેજરીવાલે કહ્યું કે, કોરોના વાઈરસને લડવા તમામ સરકારો એક ટીમની જેમ કામ કરી રહી છે. તમામ રાજ્ય સરકારોએ મળીને કામ કરવું પડશે. તમામ સરકારો અને વિભાગોએ એકજુટ થઇને એક ટીમની જેમ કામ કરવું પડશે. તમામ રાજ્ય સરકાર એકબીજા પાસેથી શીખે અને આ ટીમનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ડૉક્ટર અને નર્સ છે. સૌ કોઇ લૉકડાઉનનું કડક પાલન કરે.
5 ટ્રેકિંગ અને મોનિટરિંગ
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પાંચમા પ્લાન વિશે સમજાવતુ કહ્યુ હતું કે, તમામ વસ્તુઓને ટ્રેક કરવી સૌથી વધારે જરૂરી છે. તમામ પ્લાનને ટ્રેક કરવાની જવાબદારી મારી છે. જો આપણે કોરોના વાઈરસથી ત્રણ સ્ટેપ આગળ રહીશું, તો આપણે તેને હરાવી શકીશું.