નવી દિલ્હીઃ સીએમ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ 2016ના વર્ષથી અત્યાર સુધીમાં દર વર્ષે સરકારી શાળાઓના પરિણામમાં સુધારો થયો છે. એક જમાનો હતો જ્યારે સરકારી સ્કૂલોની છબી શિક્ષણના મામલે ખૂબ જ ખરાબ હતી. પરંતુ આજે આ બાળકોએ સાબિત કરી દીધું છે કે બુદ્ધિપ્રતિભા એ પૈસાની મોહતાજ નથી.
દિલ્હી સરકારની 916 સ્કૂલોમાંથી 396 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું છે. વર્ષ 2016માં 50.9 ટકા પરિણામ આવ્યું હતું જ્યારે 2020માં 98 ટકા પરિણામ આવ્યું છે.
આ સાથે જ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ પણ જણાવ્યું હતું કે સરકારી સ્કૂલોના બાળકો અને શિક્ષકો ખાનગી સ્કૂલો કરતા કમ નથી.
ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જે બાળકો નાપાસ થયા છે તેમના માટે એક્સ્ટ્રા ક્લાસ ઉભા કરી તેમને મદદ કરવામાં આવશે. જે બાળકો પાસ થયા છે તેઓ એવા પરિવારમાંથી આવે છે જ્યાં માંડ માંડ ઘરનું ગુજરાન ચાલતું હોય છે. તેઓ ભણવાની સાથે સાથે કામ કરી પરિવારને મદદ કરતા હોય છે. આવા બાળકોએ સાબિત કર્યું છે કે અથાગ પરિશ્રમ વડે ધારો તેવી સફળતા પ્રાપ્ત કરી શકાય છે.