નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી દિલ્હીના અધ્યક્ષ મનોજ તિવારીએ શનિવારે એક્ઝિટ પોલના તારણોને નકારી નિવેદન આપ્યું છે કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 48 બેઠકો ભાજપ જીતશે.
પાર્ટીના એક ટોચના નેતાના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દિલ્હીના સાતેય લોકસભા મત વિસ્તારના સાંસદો અને અન્ય નેતાઓને મળી શકે છે.
તિવારીએ ટ્વીટ કર્યું હતું કે, 'એક્ઝિટ પોલ નિષ્ફળ જશે. ભાજપ 48 બેઠકો જીતીને દિલ્હીમાં સરકાર બનાવશે. મહેરબાની કરીને EVM પર આરોપ લગાવવાનું બહાનું ન શોધશો.'
ટાઇમ્સ નાઉ-ઇપ્સોસ એક્ઝિટ પોલના તારણો અનુસાર મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ખુરશી અકબંધ રહેશે અને આમ આદમી પાર્ટી 44 અને ભાજપ 24 બેઠકો જીતી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ વર્ષ 2015માં દિલ્હી વિધાનસભાની 70 બેઠકોમાંથી 67 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે ભાજપને 3 બેઠકો વડે જ સંતોષ માનવો પડ્યો હતો.