ન્યૂ યોર્ક: સંયુક્ત રાષ્ટ્રસંઘના નાયબ મહામંત્રી અમીના મોહમ્મદે જણાવ્યું હતું કે કોરોના સંકટના કારણે ઊભી થયેલી સ્થિતિમાં ધિરાણની પુનઃગોઠવણી સૌથી અગત્યની બાબત બની રહેશે.'ગ્રુપ ઑફ ફ્રેન્ડ્સ ઑફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ફાઇનાન્સિંગ'ની વર્ચ્યુઅલ બેઠક હાલમાં મળી તેમાં તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું.
“સ્રોતોની જરૂર છે. હાલમાં આપણે જોયું કે રાતોરાત $2 ટ્રિલિયન ડૉલરનું રાહત પેકેજ જાહેર થયું હતું. યુકેમાં જાહેરાત થઈ કે 80 ટકા પગારો ચૂકવાશે, જેથી કામદારો ઘરે રહી શકે. જાપાનમાં જીડીપીના લગભગ 20 ટકા જેટલી રાહતોની જાહેરાત થઈ છે."
"આ રીતે દેશોએ જંગી પ્રમાણમાં રાહત કાર્યક્રમોની જાહેરાતો કરી છે, પરંતુ આપણે હજીય અબજો ડૉલરનું દેવું થયેલું છે તેની ચર્ચા કરી રહ્યા છીએ. આપણે જાણીએ છીએ કે આ તો હજી શરૂઆત છે અને આપણને હજી કેટલાય ટ્રિલિયન્સની જરૂર પડશે,” એમ તેમણે જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ રાહત પેકેજથી પોતાની જરૂરિયાતો પૂર્ણ થશે તેમ પણ દરેકને લાગવું જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે "આપણે જરૂર છે યુદ્ધવિરામની, પ્રતિબંધો હટાવવાની, ઓછામાં ઓછો 10 ટકા આર્થિક વિકાસ અને વૈશ્વિક સ્વાસ્થ્ય એટલે કે આપણા સૌના માટે COVIDની રસીની. બીજી વાર COVID-19 ચેપ ફેલાશે ત્યારે તે ચારેકોર હશે."
ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોના દેવાંની બાબતમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે તેનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે, “દેવાની પુનઃગોઠવણી અગ્રતાક્રમે રહેશે, જેમાં તાકિદે 2020ના વર્ષના વ્યાજની માફીની જરૂર પડશે. દેવાં ચૂકવણીમાં રાહત આપવામાં આવશે તો આ દેશો મહામારીના સંકટના સમયે આક્રમક અને ઝડપી પ્રતિસાદ આપવા માટેની આર્થિક મોકળાશ અનુભવી શકશે."
નાયબ મહામંત્રીએ ખાસ કરીને આરોગ્ય કાર્યકરોની કામગીરીના વખાણ કર્યા હતા. "માનવતાના પરિવારોની વાત કરીએ તો 40 દેશોમાં $2 અબજ ડૉલરનો સહાયતા કાર્યક્રમ છે. વધુ દેશોમાં સહાયની ધારણા રાખી રહ્યા છીએ. આ લોકો અગ્ર હરોળમાં રહીને વર્તમાન સંકટમાં કામ કરી રહ્યા છે. તેઓ COVID-19 બીમારીનો વ્યાપ વધે તેને પહોંચી વળવાની તૈયારી કરી રહ્યા છે. આપણે આશા રાખીએ કે તેમ થતું અટકાવીએ, કેમ કે તે કરોડો લોકો માટે બહુ વિનાશક હશે," એમ તેમણે જણાવ્યું હતું.