ગયા વર્ષે, કેન્દ્રએ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં પરિવર્તનો લાવવા નવો ખરડો પ્રસ્તુત કર્યો હતો. ખરડા પર રાષ્ટ્રપતિએ 9 ઑગસ્ટ 2019ના રોજ હસ્તાક્ષર કર્યા હતા. ગ્રાહકોના અધિકારોની રક્ષા, અનૈતિક વેપાર પર નિયંત્રણ, ફરિયાદને ઉકેલવાની ઝડપી પ્રણાલી, વીજાણુ વાણિજ્ય (ઇ-કૉમર્સ) વ્યવહારોનો સમાવેશ કાયદામાં કરાયો છે. આ કાયદો ગ્રાહકોનું સશક્તિકરણ કરવામાં એક સીમાચિહ્ન છે. અમેરિકાના અમેરિકા ફૅડરેશન ટ્રૅડ કમિશન અને ઑસ્ટ્રેલિયામાં ઑસ્ટ્રેલિયન કન્ઝ્યુમર એન્ડ કમિશન ગ્રાહકોના અધિકારોની રક્ષામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
- શું નવો કાયદો આપણી સમસ્યાઓ ઉકેલી શકશે?
ગ્રાહકોના મંચોના બદલે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પંચોની રચના કરાઈ રહી છે. ગ્રાહકોના અધિકારોની રક્ષા કરવા અને આ અધિનિયમ હેઠળ ગેરકાયદે વેપારને અટકાવવા માટે ગ્રાહક સુરક્ષા પ્રાધિકારની રચના કરાઈ હતી. તે મુખ્ય કમિશનર અને ઉપ કમિશનરના તત્વાવધાન નીચે ચાલુ રહેશે. તપાસ વિભાગ મહા નિયામકના નિરીક્ષણ હેઠળ રહેશે. જો ફરિયાદ કરાઈ હોય કે અનૈતિક વેપાર થઈ રહ્યો છે અને અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો કલેક્ટર પાસેથી અહેવાલ માગી શકાશે. નવા કાયદાએ ગ્રાહક પંચની મર્યાદા પણ નિર્ધારિત કરી છે. જિલ્લા સ્તરે પંચ રૂ. 1 કરોડની મર્યાદા સુધીના કેસો લઈ શકશે. રાષ્ટ્રીય પંચ રૂ. 1 કરોડથી રૂ. 10 કરોડ સુધીની રકમના કેસ લઈ શકશે. જિલ્લા સ્તરના પંચ સમક્ષ કરવામાં આવતી કેસોની સુનાવણીમાં ચુકાદા સામે રાજ્ય પંચમાં અપીલ કરી શકાશે અને તે પછી રાષ્ટ્રીય પંચ સમક્ષ અપીલ કરી શકાશે. આ જ રીતે રાજ્ય પંચને તેના ચુકાદાની સમીક્ષા કરવાની અને તેને પાછા ખેંચવાની સત્તા છે. આના કારણે જો એવી સ્થિતિ હોય કે ચુકાદામાં સુધારો કરવાની માગ હોય તો વહેલામાં વહેલી તકે સુધારો થવાની સંભાવના રહે છે.
જે લોકો નિયમો અને નિયમનોનું ઉલ્લંઘન કરશે તેમને ભારે દંડ ફટાકારાશે. જો ગ્રાહકોને અવાસ્તવિક નિવેદનો અથવા જાહેરખબરો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવતા હોય તો સંબંધિત વેપારીઓને રૂ. 10 લાખ સુધીનો દંડ થશે. આવા બનાવટી નિવેદનો અને જાહેરખબરોમાં સંડોવાયેલી જાણીતી હસ્તીઓને અન્ય જાહેરખબરોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકાશે. ઉત્પાદનમાં ભેળસેળના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો છ મહિનાની જેલ અને રૂ. 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે. જો કહ્યા પ્રમાણે આદેશનો અમલ ન થઈ શકે તો છ મહિના સુધીની જેલ અને રૂ. 20 લાખ સુધીનો દંડ શક્ય છે. મેન્યુફૅક્ચરર અને સેવા પ્રદાતાને જેલમાં નખાશે અને ગ્રાહકનાં હિતો વિરુદ્ધ કામ કરવા માટે દંડ કરાશે.
નવા લવાદી કેન્દ્રો વિવાદો ઉકેલવા માટે રચવામાં આવશે. વપરાશકારોને તેમની સમસ્યાઓ ઝડપથી ઉકેલાય તેવા હેતુથી તેમની રચના કરવામાં આવી છે. જો નિર્ધારિત સમયમાં કોઈ સમાધાન ન થાય તો જિલ્લા સ્તરનું પંચ રાજ્ય અને રાષ્ટ્રીય પંચોનો સંપર્ક કરી શકે છે. નવા કાયદા હેઠળ, ગ્રાહકો તેમની સમસ્યા વિશે ગમે ત્યાંથી ઑનલાઇન ફરિયાદ કરી શકે છે. સમગ્રતયા, આ કાયદો ગ્રાહકને લાભ પહોંચાડવા માટે ઘડાયો છે. માલ (કૉમોડિટી) શબ્દની વ્યાખ્યા 1986ના કાયદામાં કરવામાં આવી હતી. નવા કાયદામાં તેને વધુ ધારદાર બનાવવામાં આવી છે.
ગ્રાહકોને સેવાઓ પૂરી પાડવામાં વિલંબ થાય તો ગ્રાહકોને વળતર ચુકવવું પડશે. લલિતકુમાર વિ. ક્રિષ્નાના કેસમાં ચુકાદો ઘોષિત કરાયો હતો. મુલાકાતના સમયે જે સમય નિર્ધારિત કરાયો હતો અને જેના પર સંમતિ સધાઈ હતી તે ચાર કલાક કરતાં વધુ સમય ગ્રાહકને રાહ જોવડાવાતાં ગ્રાહકને રૂ. 35 હજારનું વળતર ચુકવવા આદેશ અપાયો હતો.
ગ્રાહકોના કેસોના સમાધાનની પ્રક્રિયા સમયબદ્ધ હોવી જ જોઈએ. તેનાથી ઉત્પાદક અને વેચાણકારને જવાબદારીપૂર્વક વર્તન કરવામાં મદદ મળશે. એવો મત છે કે શિશુઓ માટે નુકસાનકારક ખાદ્ય ઉત્પાદનોની જાહેરખબરો પર સ્પષ્ટ અંકુશ હોવો જોઈએ. સરકારના ભંડોળથી ચાલતાં સંગઠનો, ખાસ કરીને વિશ્વ વિદ્યાલયો, કૉલેજો અને શાળાઓ દ્વાર ગ્રાહકોમાં જાગૃતિની પરિષદોનું આયોજન કરાવું જોઈએ. એવું અનુભવાયું છે કે સરકારે બજારમાં મેન્યુફૅક્ચર કરાતાં ઉત્પાદનોની ગુણવત્તાની કસોટી કરવા પ્રયોગશાળાઓ રચવી જોઈએ. નિર્ધારિત ધારાધોરણ પૂરા થતા હોય તે પછી જ ઉત્પાદનો બજારમાં મૂકાય તે ગ્રાહકો માટે લાભદાયક છે. કાયદાના અમલ પ્રત્યે સરકારની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા માટે ગ્રાહકોની સહભાગિતા પણ મહત્ત્વની છે. સમગ્રતયા, નવો કાયદો ગ્રાહકોના અધિકારોના સંદર્ભમાં હકારાત્મક છે. ગ્રાહકો ત્યારે જ સંતુષ્ટિ પામે છે જ્યારે તેની ફરિયાદોનો ઉકેલ આવે છે અને યોગ્ય વળતર તેને મળે છે. કોઈ પણ કાયદો ત્યારે જ અસરકારક કહી શકાય જ્યારે તેનો યથાર્થ અમલ થાય!!
- ડૉ. એમ. બુચિયાહ