છત્તીસગઢઃ CRPFના જવાનોએ ફરી એકવાર ફરજનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઈંજારમ નજીક રસ્તા પર પૂરનું પાણી આવ્યા બાદ મૃતદેહ સાથે પરત ફરી રહેલા પરિવારના સભ્યો ઘણા કલાકો સુધી અટવાયેલા હતા. એક તરફ પોતાના સ્વજનને ગુમાવવાનું દુઃખ તો બીજી બાજુ સતત વધી રહેલા પાણીના સ્તરને કારણે પરિવારના સભ્યોની હાલત ખરાબ હતી. પરંતુ સીઆરપીએફ જવાનો ભગવાન બનીને ઘટના સ્થળે પહોંચ્યા હતા. સૈનિકોએ મૃતદેહને ખભા પર રાખ્યો હતો અને મૃતકના પરિવારને નદી પાર કરાવવામાં મદદ કરી હતી. પરિવારે સીઆરપીએફ જવાનોનો દિલથી આભાર માન્યો હતો.
મળતી માહિતી મુજબ, શનિવારે સોહનસિંહ નામના ડીઆરજી જવાનને તબિયત ખરાબ હોવાને કારણે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જવાનનું મોત નીપજ્યું હતું. આ જવાન જિલ્લાના ભીજજી ગામનો રહેવાસી હતા. જે કોન્ટા બેઝ કેમ્પમાં કામ કરતા હતા. સંબંધીઓના જણાવ્યા મુજબ, જવાન સ્વતંત્રતા દિવસની ફરજ બજાવ્યા બાદ સાંજે ઘરે પહોંચ્યા હતા. આ સમય દરમિયાન તેમની તબિયત અચાનક લથડી ગઈ હતી. તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જવાનનો પરિવાર રવિવારે મૃતદેહ સાથે કોન્ટા પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન, ઇંજારમ નજીક પુલ ઉપર પૂરનાં પાણી આવવાના કારણે માર્ગ બંધ હતો. બંને તરફ વાહનોના પૈડાં થંભી ગયા હતા. ઘણા કલાકો સુધી રાહ જોયા પછી પણ જ્યારે મદદ ન મળી ત્યારે સીઆરપીએફના જવાન ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સીઆરપીએફ સેકન્ડ કોર્પ્સના સેકન્ડ કમાન્ડ ઓફિસર, મોહન બિષ્ટ અને અન્ય સૈનિકોએ મૃતદેહને ખભો આપી નદી પાર કરાવી હતી.
છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદને કારણે શબરી નદી સહિતના પ્રદેશની નદીઓ તોફાની બની છે. શબરી નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. છત્તીસગઢના છેડે આવેલા કોન્ટાનો દક્ષિણ ભારત સાથેનો માર્ગ સંપર્ક ગુમાવી ચૂક્યો છે. તે જ સમયે, ઇંજારમ નજીક પુલ પર પૂરનું પાણી બે ફૂટ ઉપર આવી ગયું છે, જેના કારણે ટ્રાફિક ખોરવાયો છે. આ ઉપરાંત જિલ્લાના આંતરિક ભાગોમાં નદીઓમાં ભારે પાણી આવ્યું છે. જેના કારણે જાગરગુંડા, ચિંતલનાર, પોલંપલી સહિતના ડઝનબંધ ગામોનો માર્ગ સાથેનો સંપર્ક ટૂટી ગયો છે.