ન્યૂઝ ડેસ્કઃ આરોગ્યપ્રદ જીવન જીવવા માટે આપણને પોષણયુક્ત અને સંતુલિત ખોરાકની જરૂર પડે છે. કોવિડની મહામારીએ આપણામાં એક સર્વગ્રહી કલ્યાણ અને શ્રેયસ્કર માટે નવેસરથી રસ જગાવ્યો છે. તેમાં આરોગ્યપ્રદ અને પોષણયુક્ત ખોરાક ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જ્યારે બીજીબાજુ ભેળસેળયુક્ત અને ભારે પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થો બજાર ઉપર હાવી થઇ ગયા છે. પોષણયુક્ત તત્વોથી ભરપુર ખોરાક આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જ્યારે જંક ફૂડ આપણા શરીરને બહુ ઝડપથી નબળુ પાડી દે છે. કોવિડ-19ના આક્રમણ બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ગ્રાહકોનો વિશ્વાસ અને ભરોસો જળવાઇ રહે તે માટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ માટે એક ગાઇડલાઇન્સ બહાર પાડી હતી, તદઅનુસાર ફૂડ ઇન્ડસ્ટ્રીઝના પ્રત્યેક એકમે ખાદ્ય પદાર્થોના પ્રોસેસિંગના, ઉત્પાદનના અને માર્કેટિંગ ચેઇનના પ્રત્યેક તબક્કે સ્વચ્છતા, સાફ-સફાઇ અને સુઘડતા જાળવવાની રહે છે. જો કે, આપણા ઘર આંગણે આવેલા ઉદ્યોગો આ ગાઇડલાઇન્સના એક પણ નિયમનું પાલન કરતા હશે તે બાબતે શંકા ઉપજે છે.
સિંગાપોર 87.4ના સ્કોર સાથે 2019ના ગ્લોબલ ફૂડ સિક્યુરિટિ ઇન્ડેક્ષ (GFSI)માં ટોચ ઉપર રહ્યું હતું, જ્યારે આર્યલેન્ડ 84ના સ્કોર સાથે બીજા ક્રમે અને અમેરિકા 83.7ના સ્કોર સાથે ત્રીજા ક્રમે આવ્યું હતું. ભારત ફક્ત 58.9ના સ્કોર સાથે 72મા ક્રમે રહ્યું હતું. જે દેશમાં કેટલી હદે સ્થિતિ કથળી ગઇ છે તેનું પ્રતિબિંબ પાડે છે. માર્કેટમાં ઉપલબ્ધ ખાદ્ય પદાર્થોની શુદ્ધતા, ગુણવત્તા અને સ્ત્રોત અંગે બારીકાઇથી નજર નાંખવામાં આવે તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવશે. મધમાં ભેળસેળ છે કે નહીં તે ચકાસવા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યમેન્ટ (CSE) દ્વારા હાથ ધરાયેલી ચકાસણીમાં લગભગ તમામ મોટી બ્રાન્ડ નિષ્ફળ ગઇ હતી. મોડે મોડે ઘણી પ્રોડક્ટે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટિ ઓફ ઇન્ડિયા (FSSAI) ના પરિક્ષણને ટાળતી તરકીબો વિકસાવી હતી. હળદર, ખાંડ, ગોળ, દળેલું મરચુ, મરી અને ખાદ્ય તેલોમાં રહેલા ઝેરી તત્વોની હાજરી આપણી જીવનશૈલીમાં અનેક રોગ પેદા કરી શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) તો ભારતને તેના આર્થિક વિકાસના એક સાધન તરીકે પોષણયુક્ત આહાર માટે સરકારી ભંડોળની રકમ વધારવાની સલાહ આપી હતી. ફૂડબોર્ન ડિસિઝ બર્ડન એપિડેમિયોલોજી રેફરન્સ ગ્રૂપ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસ અનુસાર ભેળસેળયુક્ત ખોરાકના કારણે 2011ની સાલમાં 10 કરોડ ભારતીયોને અસર થઇ હતી. સમાન અભ્યાસમાં એવી પણ આગાહી કરવામાં આવી હતી કે 2030ની સાલ સુધીમાં આ આંકડો 17 કરોડ સુધી પહોંચી જવાની શક્યતા છે. અર્થાત ભેળસેળિયા ખોરાકના કારણે પ્રત્યેક 9 વ્યક્તિ પૈકી એક વ્યક્તિ બિમાર પડશે. આ સમગ્ર ઘટનાક્રમમાં ગરીબ અને નબળા વર્ગોના લોકોને સોથી વધુ અસર થઇ શકે છે. આંધ્ર પ્રદેશના ઇલુરુ ખાતે સેંકડો લોકોને ધ્રુજાવી નાંખતી રહસ્યમય બિમારી પાછળ ખોરાક અને પાણીની ભેળસેળને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. કોવિડ-19ની કટોકટી દરમિયાન આરોગ્ય નિષ્ણાતો અને રાજ્ય સરકાર દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આમ છતાં હજુ પણ અનેક હોટલો અને ટિફિન સેન્ટરો તદ્દન અસલામત હોય એવા નિયમોને અનુસરે છે. સંખ્યાબંધ સર્વેક્ષણોમાં જોવા મળ્યું છે કે ડોક્ટરોની મુલાકાત લેનારા કુલ દર્દીઓ પૈકી 20 ટકા એવા દર્દીઓ હોય છે જેઓએ ભેળસેળયુક્ત ખોરાક ખાધો હોય છે.
ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચવા પાછળનો સૌથી મોટો આશય ઝડપી નફો કમાઇ લેવાની લાલસા હોય છે. દૂધનું જાડાપણુ વધારવા ઝેરી રસાયણોનો ઉપયોગ થાય છે. કૃત્રિમ હોર્મોન્સની મદદથી ફળોને સમય કરતાં પહેલાં પકવી દેવામાં આવે છે. વિશ્વભરમાં વાર્ષિક 5 લાખ લોકો ભેળસેળવાળો ખોરાક ખાવાથી મૃત્યુ પામે છે. અલબત્ત ખોરાકમાં થતી ભેળસેળ રોકવા અનેક પગલાં લેવાયા હોવાની રાજકારણીઓ મોટી મોટી ગુલબાંગો હાંકતા હોય છે, પરંતુ વાસ્તવિકતા કંઇક જૂદી જ હોય છે. ફૂડ સેક્ટરને નિયંત્રિત કરવા અને ગ્રાહકોના આરોગ્યનું રક્ષણ કરવા કેન્દ્ર સરકાર 2006ની સાલમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ લાવી હતી, પરંતુ તેનો અમલ સહેજપણ સંતોષજનક રહ્યો નથી. ખાદ્ય પદાર્થોની સલામતિના ક્રિમિનલ કેસમાં દોષિત ઠરેલા પૈકી ફક્ત 16 ટકા લોકોને શિક્ષા કરવામાં આવી છે દરમ્યાન હાલ દેશમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના સમગ્ર સામ્રાજ્યમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો વધારવા જરૂરી એક સિસ્ટમ વિકસાવવાની અને નિયમનકારી સંસ્થાઓ ઉભી કરવાની તાતી જરૂર છે. ખાદ્ય પદાર્થોના ભેળસેળના દુષણને ડામવામાં ગ્રાહકોની જાગૃતિ અને આકરા કાયદા ઘણો સમય માંગી લે તેમ છે.