નવી દિલ્હીઃ દેશમાં 2 અઠવાડિયા માટે લોકડાઉન વધારવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે 3 મેથી 17 મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. જો કે, આ વખતે ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં પહેલાંથી વધારે છૂટ-છાટ આપવામાં આવશે, પરંતુ સોશિયલ ડિસ્ટેન્સિંગનો નિયમ અગાઉની જેમ જ અમલમાં રહેશે. આ અગાઉ વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય પ્રધાનો સાથે બેઠક કરી હતી. જેમાં લોકડાઉન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, રેલ પ્રધાન પીયૂષ ગોયલ, કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરી, આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન અને અન્ય કેન્દ્રીય પ્રધાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
ગૃહ મંત્રાયલ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, લોકડાઉનના કારણે કોરોના વિરુદ્ધની લડાઈમાં દેશને ઘણો ફાયદો થયો છે. જેથી લોકડાઉનને 2 અઠવાડિયા સુધી વધારવાની જાહેરાત કરવામાં આવે છે. રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન માટે વિવિધ દિશા નિર્દેશ તૈયાર કરવામાં આવ્યા છે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ઘણી છૂટ-છાટ પણ આપવામાં આવી છે.
દેશમાં કોરોના દર્દીની સંખ્યા 35 હજારને પાર
દેશમાં કોરોના દર્દીની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. અત્યારસુધી 35 હજારથી વધુ દર્દી સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર દર્દીની સંખ્યા 35,365 પર પહોંચી ગઇ છે. જ્યારે દેશમાં અત્યારસુધી આ વાઇરસના કારણે મરનારા લોકોની સંખ્યા 1,152 થઇ છે.