ન્યૂઝ ડેસ્કઃ સમગ્ર વિશ્વ કોરોનાવાઇરસનો બીજો રાઉન્ડ શરૂ થવાની આશંકા સેવી રહ્યું છે, ત્યારે બ્રિટને આંશિક ધોરણે શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે. અત્યારે, જેમનાં માતા-પિતાનો મહત્વની વર્કફોર્સમાં સમાવેશ થતો હોય, ફક્ત તેવાં બાળકોને જ શાળાએ જવાની પરવાનગી આપવામાં આવી છે. ચાઇલ્ડ કેર સેન્ટર્સને કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. સરકારે શાળાઓને ડિજિટલ વર્ગો માટે સજ્જ થવા જણાવી દીધું છે. ત્રણ તબક્કાના આયોજનના બીજા તબક્કામાં, પૂર્વ-પ્રાથમિક (પ્રિ-પ્રાઇમરી) અને પ્રાથમિક શાળાઓને વર્ગો શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે. દરેક વ્યક્તિએ બે મીટરના ફિઝિકલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. બ્રિટને તેના નાગરિકોને જાહેર પરિવહનનો ઉપયોગ ટાળવા માટે જણાવ્યું છે અને તેના સ્થાને મુસાફરી માટે તેમનાં પોતાનાં વાહનોનો ઉપયોગ કરવા જણાવ્યું છે. સરકારે ખાસ બાઇસિકલ ટ્રેક માટે જીબીપી 2 અબજની ફાળવણી કરી છે. ટ્રેનોમાં વધુ પડતી ભીડને ખાળવા માટે સરકારે ઓફિસોને શિફ્ટના સમયમાં ફેરફાર કરવા માટે જણાવ્યું હતું.
નાગરિકોને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને તેમનાં પોતાનાં વાહનોમાં મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. બ્રિટન બાળકો, વયોવૃદ્ધ અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને/અથવા કેમોથેરેપીના દર્દીઓની ખાસ સંભાળ રાખી રહ્યું છે. વૃદ્ધાશ્રમો તથા વૃદ્ધો માટેનાં કેર હોમ્સમાં નિયમિતપણે ટેસ્ટિંગ અને તપાસ હાથ ધરાશે. શુક્રવારથી દરેક કેર હોમ માટે એક ડોક્ટરની વ્યવસ્થા કરવામાં આવશે. સરકાર તેમના સંસદ ગૃહને અનુકરણ કરવાયોગ્ય વર્કપ્લેસ મેનેજમેન્ટનું આદર્શ દ્રષ્ટાંત બનાવવા ક્ષેત્રે કાર્યરત છે. બ્રિટનનું સંસદ ગૃહ ઓછાં સત્રો અને સોશ્યલ ડિસ્ટન્સિંગનાં વધુ પગલાં સાથે ટૂંક સમયમાં જ કામગીરી શરૂ કરશે. તાજેતરનાં સત્રો દરમિયાન, ગૃહની અંદર માત્ર 50 ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રવેશવાની પરવાનગી આપવામાં આવી હતી. બાકીના સાંસદોએ વિડિયો કોન્ફરન્સ થકી ભાગ લીધો હતો.
આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ તેમની અંગત વિગતો સરકાર સમક્ષ પ્રગટ કરવાની રહેશે. વધુમાં, તેમણે NHS કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ ડાઉનલોડ કરવાની રહેશએ. જો તેઓ હોમ આઇસોલેશનમાં ન જઇ શકે, તો સરકાર તેમને ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇનમાં મૂકશે. ત્રીજા તબક્કામાં તમામ વ્યવસાયોને કામ કરવાની છૂટ આપવામાં આવશે. ચોથી જુલાઇથી, સલોન, પબ, ધાર્મિક સ્થળો, રેસ્ટોરન્ટ્સ, સિનેમા હોલ્સ અને રિટેલ આઉટલેટ્સને લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવશે. પરંતુ દરેક આઉટલેટે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું અચૂક પાલન કરવાનું રહેશે. વિજ્ઞાનીઓ એ તારણ પર આવ્યા છે કે, વાઇરસ કપડાં ઉપર દિવસો સુધી સક્રિય રહે છે. આથી, દરેક વ્યક્તિએ સેનિટાઇઝર હમેશા સાથે રાખવાનું રહેશે. સરકારે લોકોને રોજેરોજ વસ્ત્રો ધોવાની સલાહ આપી છે.
કસરત એ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની ચાવી છે. બ્રિટનની સરકારે કસરતને વિશેષ મહત્વ આપ્યું છે. લોકો દિવસ દરમિયાન અગણિત વખત જોગિંગ કે કસરત કરવા માટે બહાર નિકળી શકે છે. પરંતુ જીમ અને પ્લેગ્રાઉન્ડ્ઝ બંધ રહેશે. નાગરિકોને તેમના પરિવારના સભ્યો સાથે ગોલ્ફ અને ટેનિસ રમવાની છૂટ આપવામાં આવી છે. લોકડાઉનનાં નિયંત્રણો હળવાં કરવાના બીજા તબક્કામાં, સ્પોર્ટ્સ બોર્ડ્સ ઓડિયન્સ વિના મેચનું આયોજન કરી શકે છે તથા તેને ટેલિકાસ્ટ કરી શકે છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે પહેલી જુલાઇ સુધી ઇંગ્લેન્ડમાં કોઇ ક્રિકેટ મેચ નહીં રમાય તેવી જાહેરાત કરી હતી.
લોકડાઉન લાગુ કરવામાં આવ્યું, તેને બે મહિના થઇ ગયા છે. કોવિડ-19નો ઇરાજ કે રસી ક્યારે શોધાશે, તે અંગે હજી પણ અસ્પષ્ટતા પ્રવર્તે છે. બીજી તરફ, વિવિધ દેશોના લોકો ભૂખમરાથી જીવ ગુમાવી રહ્યા છે. ભારત પણ ધીમે-ધીમે તેના લોકડાઉનના નિયમો હળવા કરી રહ્યું છે. પ્રોત્સાહન (સ્ટિમ્યુલસ) પેકેજની જાહેરાત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, લોકડાઉન 4.0 નવા પ્રકારનાં નિયંત્રણો સાથે 18મી મેથી અમલમાં આવશે. ભારત કરતાં 48 કલાક પહેલાં દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરનાર બ્રિટન બુધવારથી નિયંત્રણો ઉઠાવવાની દિશા તરફ આગળ વધ્યું છે. આ પગલું જોખમી હોવા છતાં, સરકાર તબક્કાવાર રીતે લોકોનું રક્ષણ કરવાની સાથે તેના અર્થતંત્રમાં પુનઃ પ્રાણ ફૂંકવાનું ધ્યેય ધરાવે છે. પ્રથમ તબક્કો 13મી મેથી શરૂ થયો હતો અને બીજો તબક્કો પહેલી જૂનથી શરૂ થશે. જો બધું ધાર્યા પ્રમાણે પાર પડ્યું, તો અંતિમ તબક્કો ચોથી જુલાઇથી શરૂ થશે. જોકે, લોકડાઉન હળવું કરવાના પ્રથમ તબક્કાનો સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડમાં અમલ કરવામાં આવ્યો નથી.
બુધવારથી ઇંગ્લેન્ડે લોકડાઉનનાં નિયંત્રણો હળવાં કરવાનું શરૂ કરી દીધું હતું. બ્રિટનના વડાપ્રધાન બોરીસ જ્હોન્સને જણાવ્યું હતું કે, બ્રિટનને કોરોનાવાઇરસના બીજા રાઉન્ડનો સામનો કરવો પડી શકે છે, જેને કારણે લાખો લોકોનાં મોત નીપજે તેવી શક્યતા છે. તેમના મતે, લોકડાઉન પછીનું જીવન કદીયે પહેલાં જેવું સામાન્ય નહીં થઇ શકે. તેમણે જણાવ્યું હતું કે, તેવા સંજોગોમાં દેશમાં નવેસરથી લોકડાઉન લાગુ કરવું પડી શકે છે. વધુમાં, જ્હોન્સને લોકોને અત્યંત સાવચેત રહેવાનો અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનો અનુરોધ કર્યો હતો. તો બીજી તરફ સ્કોટલેન્ડનાં પ્રથમ મંત્રી નિકોલા સ્ટર્જને જણાવ્યું હતું કે, તેઓ તેમનાં લોકોનાં જીવ જોખમમાં મૂકવા માગતાં નથી આથી તેમણે સ્કોટલેન્ડમાં લોકડાઉનનાં નિયંત્રણો હળવાં ન કરવાનો નિર્ણય લીધો છે. તો, એકલા બુધવારે જ આશરે 2,30,000 લોકોએ લંડન ટ્યૂબ ટ્રેનમાં પ્રવાસ ખેડ્યો હોવાનો અંદાજ છે. સોશ્યલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરતા અને ફેસ માસ્ક પહેર્યા વિનાના પ્રવાસીઓની તસવીરો સોશ્યલ મીડીયા પર વાઇરલ થઇ હતી.