મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોમાં આશરે 500 જેટલા પરીક્ષણ કરવામાં આવ્યા છે. મુંબઇની તાજ ગૃપની હોટલોના 6 કર્મચારીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જે બાદ આ કોવિડ -19 અસરગ્રસ્તોને આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે હોટલ અધિકારીએ રવિવારે માહિતી આપી હતી.
આઈએચસીએલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જેમના કોરોના વાઈરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, તેઓ મોટે ભાગે સારી એવી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા હોવાથી તેમનામાં કોરોનાના કોઈ લક્ષણો જણાયા નહોતા. તેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અન્ય લોકો કે, જેઓ તેમના સંપર્કમાં હતા તેઓને ડબ્લ્યુએચઓ અને સરકારના માર્ગદર્શિકા અનુસાર તુરંત જ ક્વોરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. તાજ હોટલમાં લોકડાઉનને ધ્યાનમાં રાખીને હાલ કોઈ યાત્રી રોકાયા નથી, મુખ્ય ક્ષેત્રમાં શક્ય તેટલા ઓછા કર્મચારીઓ રાખવામાં આવ્યા છે.
તાજ હોટલ કેટલાક રાજ્યોમાં ક્વોરેન્ટાઇન સુવિધાઓ પ્રદાન કરી રહી છે, જેને મેડિકો, આરોગ્ય કાર્યકરો અને સ્થળાંતર કરનારાઓ કુલ મળીને આશરે 400,000 લોકોને ભોજન આપવામાં આવે છે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ મુશ્કેલીના સમયમાં અમારા કર્મચારીઓ અને તેમના પરિવારોની સલામતી સર્વોચ્ચ સ્થાન પર છે. અમે તેમની પુરતી સાર સંભાળ લઈ રહ્યા છીએ.