મુંબઈઃ દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત. આ વાઇરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં રવિવારે 3 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. જેના કારણે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 85,975 છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં આ વાઇરસના કારણે 3,060 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ડિસેમ્બરમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ ચીનના વુહાન શહેરમાંથી સામે આવ્યો હતો. ચીનમાં અત્યાર સુધી 83,036 લોકો સંક્રમિત થયા છે.
મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં 3007 નવા કોસ પોઝિટિવ નોંધાયા છે. આ ઉપરાંત વધુ 91 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મુંબઈમાં પણ કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રવિવારે મુંબઈની ઝૂંપડપટ્ટી ધારાવીમાં 13 કેસ નોંધાયા છે.
બીજી તરફ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે, રાજ્યની 60 જેલોમાં 38,000 કેદીઓ હતા. જેથી અમે જેલોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરવા માટે 9,671 કેદીઓને મુક્ત કર્યા છે. હવે અમે ઇમરજન્સી જામીન પર વધુ 11,000 કેદીઓને મુક્ત કરવા જઈ રહ્યા છીએ.
ભારતમાં કોરોના
કોરોના વાઇરસ (કોવિડ -19)ને કારણે ભારતમાં 6,900થી વધુ લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત સંક્રમિત લોકોની સંખ્યા 2.46 લાખને પાર છે. આ સાથે જ ભારત વિશ્વનો 5મો પ્રભાવિત દેશ બન્યો છે.