ન્યૂઝ ડેસ્ક: વિશ્વભરમાં 62 લાખ લોકોની સાથે મોતની રમત રમનારો કોરોના વાઇરસ અત્યાર સુધીમાં 3,71000 લોકોને ભરખી ગયો છે. આગામી સપ્તાહ દરમિયાન લોકોને પોતાની નાગચૂડમાં ફસાવવા તૈયારી કરી રહેલા અને કોઇપણ જાતના ચિહ્નો નહી દર્શાવનાર તથા છેલ્લા 2 સપ્તાહથી તદ્દન નિષ્ક્રિય થઇ ગયેલા આ રોગચાળામાંથી પોતાના નાગરિકોને બચાવી લેવાં કેટલાંક દેશોએ તો ફરીથી લોકડાઉન લાદી દીધું છે. આ મહામારીના જે પરિણામ આવ્યા છે તે મુજબ વૈશ્વિક અર્થતંત્ર ખાડે ગયું છે અને હજુ વધુ ઉંડી ખાઇમાં ઉતરી રહ્યું છે. હાલ પરિસ્થિતિ એવી થઇ ગઇ છે કે, લોકોના જીવ અને તેઓનું જીવનનિર્વાહ બચાવવું અત્યારે સૌથી મહત્વની અગ્રિમતા બની ગઇ છે. શરૂઆતમાં જ્યારે કોવિડના પોઝિટિવ કેસોની સંખ્યા 600ને પાર કરી ગઇ ત્યારે ભારતે ગત 25 માર્ચના રોજ દેશવ્યાપી લોકડાઉન લાદી દીધું હતું. 10 સપ્તાહના લોકડાઉના સમય દરમિયાન કેસોની સંખ્યા દરરોજ 8000થી વધુ નોંધાઇ હતી.
તબક્કાવાર સ્થિતિ સામાન્ય કરવાના આશયથી કેન્દ્ર સરકારે ગાઇડલાઇન્સ બહાર પાડી તે મુજબ કન્ટેઇનમેન્ટ ઝોનને બાદ કરતાં બાકીના તમામ વિસ્તારોમાંથી લોકડાઉન ઉઠાવી લેવામાં આવ્યું છે. આ મહિનાની આઠ તારીખથી પ્રથમ તબક્કામાં ધાર્મિક સ્થાનો, હોટલો, આગતા-સ્વાગતા સેવાઓ અને શોપિંગ મોલ ખુલ્લા કરી દેવામાં આવશે. કેન્દ્રએ એવી પણ જાહેરાત કરી હતી કે, આગામી મહિનાથી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવશે અને સિનેમા હોલ, આંતરરાષ્ટ્રીય હવાઇ સેવાઓ અને મેટ્રો ટ્રેન શરૂ કરવા અંગે છેલ્લા તબક્કામાં વિચારવામાં આવશે. ભારત કોવિડ-19ના 1.90 લાખ કેસો સાથે સમગ્ર એશિયામાં ટોચના સ્થાને છે. જો કે, 70 ટકા કેસો મુંબઇ, ચેન્નાઇ, દિલ્હી, અમદાવાદ, થાણે, પૂણે અને હૈદરાબાદ જેવા શહેરોના 13 વિસ્તારોમાંથી જ નોંધાયા હોવાથી કેન્દ્રએ અન્ય વિસ્તારોમાંથી લોક઼ાઉન ઉઠાવી લેવાને લીલી ઝંડી આપી દીધી હતી. દેશનાં વેપાર-ધંધાને કાયમ માટે બંધ રાખવા શક્ય ન હોઇ લોકોએ પોતાની કાળજી પોતાની રીતે જ લેવાની રહેશે એમ કહીને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આરોગ્યની કાળજી લેવાની જવાબદારી નાગરિકો ઉપર જ ઢોળી દીધી હતી, તદઅનુસાર હવે દેશમાં કોરોનાનું જોખમ ઓર વધી ગયું છે.
તદ્દન હલકી ગુણવત્તાવાળી મેડિકલ અને આરોગ્યની સુવિધા ધરાવતા ભારત જેવા દેશમાં કોરોના મોતનું તાંડવ ખેલશે એવું જે ચિત્ર રજૂ કરાયું હતું અને એવો જે ભય ઉભો કરાયો હતો તે લોકડાઉનના પગલે ખોટો ઠર્યો છે. કેમ કે, ભારતમાં મૃત્યુદર ફક્ત 2.8 ટકા અને સાજા થવાનો દર 47 ટકા નોંધાયો છે એવો કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો. કોરોનાથી સંક્રમિત થયેલા પ્રત્યેક 10 લાખ કેસ પૈકી અમેરિકામાંથી 5197 કેસ અને ઇટાલીમાંથી 3825 કેસ નોંધાયા હતા, જ્યારે ભારતમાંથી ફક્ત 117 કેસ નોંધાયા હતા. જો કે, આ દેશોમાં કેસોની વધુ સંખ્યા એટલા માટે નોંધાઇ હતી કેમ કે તે દેશોએ ભારતની તુલનામાં વધુ લોકોના ટેસ્ટ કર્યા હતા. ભારતની તુલનામાં અમેરિકાએ 19 ગણા વધુ અને ઇટાલીએ 25 ગણા વધુ ટેસ્ટિંગ કર્યા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને થોડા સપ્તાહ પહેલાં જ એવું સૂચન કર્યું હતું કે, કોરોના વાઇરસ અનેક કિસ્સામાં તંદુરસ્ત શરીરમાં ચિહ્નો દેખાડીને પોતાની હાજરી દર્શાવતો નથી. તેથી તેને અંકુશમાં લેવા શક્ય હોય એટલા વધુ લોકોના ટેસ્ટ કરાવવા જોઇએ. ભારતની તુલનામાં 7 ગણા વધુ લોકોના સ્ક્રિનિંગ ટેસ્ટ કરનાર દક્ષિણ કોરિયા કોરોનાના હજારો કેસ ઘટાડી શક્યું છે અને મૃત્યુદર 2 ટકાના નીચલા દરે લાવી દીધો છે. દૈનિક 1.5 લાખ લોકોના ટેસ્ટ કરાવવાની ક્ષમતા હોવા છતાં ભારત કોરોનાના ટેસ્ટ કરાવનાર 84 દેશોમાં 71મા સ્થાને રહ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારોને એવી દહેશત છે કે, જો વધુને વધુ લોકોના ટેસ્ટ કરાવવામાં આવશે તો પોઝિટિવ કેસોની સંખ્યા લાખો ઉપર પહોંચી જશે જેનાથી અસહ્ય બોજો વધી જશે. જો ખુબ આક્રમક રીતે ટેસ્ટિંગ કરાવવામાં આવશે તો રાજ્યની કુલ વસ્તીના 70 ટકા લોકો સંક્રમિત થયેલા જોવા મળશે એવા એડવોકેટ જનરલે ગુજરાત હાઇકોર્ટમાં આપેલા નિવેદનથી જ કેન્દ્ર અને રાજ્ય સરકારોની દહેશતને સંપૂર્ણ સમર્થન મળી જાય છે. સરકારે સમજવું જોઇએ કે, આક્રમક રીતે ટેસ્ટિંગ કરાવવાથી અને આરોગ્યની સેવાઓનો નિયમિત ધોરણે વ્યાપ વધારવાથી જ કોરોના વાઇરસનો ખાત્મો બોલી શકે છે. લોકોએ પણ માસ્ક પહેરવાના, શારીરિક અંતર જાળવવાના અને સરકારની સૂચનાઓનું પાલન કરવાના મહત્વને સમજવું જોઇએ અને પોતાનો જીવ બચાવવા પોતાની જાતને મદદ કરવી જોઇએ.