ન્યૂઝ ડેસ્કઃ દેશના અત્યંત અંતરિયાળ વિસ્તારોમાં વસનારા લોકો ઇ-કોમર્સના કારણે માત્ર એક ક્લિકથી તેમની પસંદગીનાં ઉત્પાદનો ખરીદી શકે છે. વાસ્તવમાં, ભારત સૌથી ઝડપથી વિકસતું ઓનલાઇન રિટેલ બજાર ધરાવે છે. આકર્ષક ડિસ્કાઉન્ટ્સ, ઓફર્સ અને કેશબેક્સ એ ઇ-સ્ટોર્સની સફળતામાં યોગદાન આપનારાં અગત્યનાં પરિબળો છે. દેશની ચોથા ભાગની વસ્તી ઓનલાઇન ખરીદી કરતી હોવા છતાં, આવા ગ્રાહકોના, ખરીદી સંબંધિત વિવાદોનો ઉકેલ લાવવા માટે કોઇ વ્યવસ્થા કે નિયમન મોજૂદ નથી. આથી, તાજેતરમાં જ, કેન્દ્રએ ગ્રાહક સુરક્ષા કાયદો અપડેટ કર્યો છે અને નવા ઘણા ઇ-કોમર્સ નિયમો સૂચિત કર્યા છે. વળી, ઇ-કોમર્સ નિયમો હવે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 2019નો ભાગ છે. નવા ગ્રાહક સુરક્ષા 2019 બિલને 6 ઓગસ્ટ, 2019ના રોજ સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી, ત્યાર બાદ આ અધિનિયમ 27મી જુલાઇ, 2020થી અમલી બન્યો છે. જે, ઇ-કોમર્સ ગ્રાહકો માટે રાહત આપનારા સમાચાર છે.
એમેઝોન જેવી ઓનલાઇન રિટેલ ક્ષેત્રની મહાકાય કંપની એકલા ભારતમાં જ હજ્જારો કરોડનો વ્યવસાય ધરાવે છે. અમેરિકા સ્થિત રિટેલ ચેઇન વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં 81 ટકા નિયંત્રણ હિસ્સો સંપાદિત કર્યો હતો. સ્થાનિક સ્તરે, 19,000 ઇ-કોમર્સ કંપનીઓ છે, પણ માત્ર 70 ટકા કંપનીઓ જ પૂર્ણપણે કાર્યરત છે. તેઓ બજારમાં મોટો હિસ્સો પણ ધરાવે છે. આ ડિજિટલ સ્ટોર્સમાં જૂતાં-ચંપલથી માંડીને કપડાં અને જીવન-રક્ષક દવાઓ સહિત સઘળું ઉપલબ્ધ છે. 2018માં દેશમાં 22.4 કરોડ ઇ-વપરાશકર્તાઓ હતા. 2020ના અંત સુધીમાં આ સંખ્યા વધીને 32 કરોડ થવાનો અંદાજ છે. 2017ના વર્ષમાં ભારતના ઇ-કોમર્સ વ્યવસાયનું કદ 1.79 લાખ કરોડ હતું, જે વધીને 2021 સુધીમાં 6.28 લાખ કરોડ થવાની અપેક્ષા છે. મહામારી વકરી, તે સાથે ડિજિટલ વેચાણને ભારે વેગ મળ્યો છે. પ્રારંભિક સમયગાળામાં, નિયમનના અભાવના કારણે ઇ-કોમર્સ કંપનીઓ મશરૂમની ફૂટી નિકળી હતી. ડિલીવર ન થયેલી અથવા તો નુકસાનગ્રસ્ત ઉત્પાદનોના કિસ્સામાં, ગ્રાહકો કંપનીઓને સવાલ કરી શકતા ન હતા. ભૂતકાળમાં ઘણા ગ્રાહકોએ એવી ફરિયાદ કરી હતી કે, તેમણે આઇફોનના બદલે સાબુનાં બોક્સ અને પથ્થર મેળવ્યા હતા. જ્યારે ગ્રાહકો બનાવટી અથવા તો નબળી ગુણવત્તા ધરાવતો સામાન પરત કરે છે, ત્યારે ઇ-કોમર્સ સાઇટ્સ રિફંડ જારી કરવામાં સામાન્ય કરતાં વધુ સમય લગાડે છે.
નવા કન્ઝ્યુમર પ્રોટેક્શન રૂલ્સ, 2020 હેઠળ, ઇ-કોમર્સ નિયમો ભારતીય ગ્રાહકોને માલ-સામાનનો પૂરવઠો પૂરો પાડનારા તમામ ડિજિટલ રિટેલરોને લાગુ પડશે. નવા નિયમો ગ્રાહકોને સશક્ત બનાવે છે અને છેતરપિંડીયુક્ત અને બનાવટી ઉત્પાદનો માટે ઇ-રિટેલર્સ જવાબદાર ગણાશે. ખરીદીની પુષ્ટિ થયા બાદ (જો ઇ-કોમર્સ કંપની દ્વારા સમાન પ્રકારના ચાર્જ પણ વસૂલવામાં આવતા હોય, તો) કેન્સલેશન ચાર્જ લાગુ કરવો જોઇએ નહીં. ઓનલાઇન રિટેલરોએ રિટર્ન, રિફંડ, એક્સચેન્જ, વોરન્ટી અને ગેરન્ટી, ડિલીવરી અને શિપમેન્ટ, ચૂકવણીના પ્રકારો, ફરિયાદ નિવારણ વ્યવસ્થા અને મૂળ દેશ અંગેની વિગતો પ્રદર્શિત કરવી જોઇએ. આ નિયમનો ચાઇનિઝ સામાન પરના પ્રતિબંધના વર્તમાન સંદર્ભમાં ઘણા મહત્વપૂર્ણ સાબિત થશે. ખાદ્ય અને જાહેર વિતરણ ક્ષેત્રના કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને રાજ્ય સરકારોને આ નિયમનો ચુસ્તપણે લાગુ કરવાની તાકીદ કરી છે.
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) ગ્રાહક અધિકારનો ભંગ કરનારા લોકો સામે કાર્યવાહી કરવાની સત્તા ધરાવે છે. આ ઓથોરિટીનું વડપણ ચીફ કમિશનર સંભાળશે, જેઓ ગ્રાહક અધિકારો સંબંધિત પ્રશ્નોનું નિયમન કરતા કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ લાગુ કરશે. નવી નિયમનકારી વ્યવસ્થાને સ્નેપડિલ જેવી સ્થાનિક ઇ-કોમર્સ કંપનીઓએ આવકારી હતી. પરંતુ, એક ઇ-કોમર્સ ફર્મના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, વેચાણકર્તા માટે ફરિયાદ નિવારણ અધિકારીને પ્રત્યેક ખરીદીને લગતી વિગતો પૂરી પાડવી મુશ્કેલ બનશે. આ નવા ઇ-કોમર્સ નિયમો ડિજિટલ મોનોપોલીનો અંત આણે છે કે, કેમ તે જોવું રહ્યું.