નવી દિલ્હી: દેશની રાજધાનીમાં દરરોજ સૌથી વધુ કોરોના વાઇરસના કેસ નોંધાયા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ દાવો કર્યો છે કે, દિલ્હીમાં કોરોના ચેપનો દર 25 ટકા થવાનો સંકેત છે કે, રાષ્ટ્રીય રાજધાનીમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનની શરૂઆત થઈ રહી છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રાજ્ય સરકાર કોરોના સંક્રમણના ટેસ્ટમાં ઘટાડો કરી રહી છે. જેથી ચેપની વધતી જતી સંખ્યાના વાસ્તવિક ડેટાને છુપાવી શકાય. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીના લગભગ દરેક ચોથા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જો કે રિકવરી દર દેશમાં સૌથી ઓછો દિલ્હીમાં છે.
કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા અજય માકને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, શરમજનક છે કે દિલ્હીમાં કોરોના વાઇરસ રોગચાળાનો સંક્રમણ દર દેશમાં સૌથી વધુ છે અને સ્વસ્થ્ય થવાનો દર સૌથી ઓછો છે. આ બધુ જ દિલ્હીની હોસ્પિટલોની કથળતી હાલતને કારણે છે.
માકને કહ્યું કે, દિલ્હીમાં ચેપગ્રસ્ત કોરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેમ છતાં, સરકારે ઓવર-ટેસ્ટિંગ બંધ કરવા માટે નોટિસ ફટકારી છે. જે અંતર્ગત એક દિવસમાં 4000થી વધુ તપાસ થઈ શકતા નથી. તેમણે કહ્યું કે, આઠ જૂનથી મોલ અને રેસ્ટોરન્ટો ખોલવાનું દિલ્હી સરકારનું ઉતાવળુ પગલું છે અને જ્યાં સુધી લોકોના સ્વાસ્થ્યમાં સુધારો નથી થઇ રહ્યો ત્યાં સુધી આવું ન કરવું જોઈએ.
માકને આરોપ લગાવ્યો કે, દિલ્હીમાં કોવિડ સમર્પિત હોસ્પિટલમાં 72 ટકા બેડ ખાલી છે. દિલ્હીની સરકારી હોસ્પિટલોમાંથી 33 હોસ્પિટલો કોરોના વાઇરસના દર્દીઓની સારવાર નથી કરી રહી. તેમણે કહ્યું કે, દિલ્હી સરકાર ફક્ત તેમની છબીને ચમકાવવાનો પ્રયાસ કરી રહી છે. તેનાથી વિપરીત, કોરોના વાઇરસ રોગચાળા સાથે સંકળાયેલી કોઈ યોજના નથી બનાવી રહી.