શ્રીનગરઃ કોંગ્રેસની જમ્મુ કાશ્મીર એકમે રવિવારે જમ્મુ કાશ્મીર પંચાયતી રાજ કાયદો 1989માં કરવામાં આવેલા ફેરફારને લઈ ભાજપ પર નિશાન સાધ્યું છે. આ સાથે જ કોંગ્રસે આક્ષેપ કર્યો છે કે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં સમય લગાડવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર
પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા રવિન્દ્ર શર્માએ એક નિવેદનમાં જણાવ્યું કે, ભાજપ વિધાનસભા ચૂંટણીમાં જનતાનો સામનો કરવા નથી માંગતી. કારણ કે તેમની જનવિરોધી નીતિઓ અને નિર્ણય વિરુદ્ધ લોકોની પ્રતિક્રિયાનો તેમને ડર છે. ભાજપે લોકોને ઓળખાણ, નોકરી અને જમીનના વિશેષ અધિકારીથી વંચિત કર્યા છે.
ઉલ્લેખનિય છે કે શનિવારે કેન્દ્રએ જમ્મુ કાશ્મીર પંચાયતી રાજ કાયદામાં ફેરફાર કરી દરેક જિલ્લામાં જિલ્લા વિકાસ પરિષદ બનાવવાનો નિર્ણય કર્યો છે.
પ્રત્યેક જિલ્લા વિકાસ પરિષદમાં 14 ક્ષેત્ર હશે અને બધામાં સીધા ચૂંટાયેલા સભ્ય હશે. કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત રહેશે.