આ અંગે સામે આવેલી વિગતોમાં કોંગ્રેસ દ્વારા માઉન્ટ આબુમાં ધારાસભ્યોની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે તમામ ધારાસભ્યોને વ્હીપ રજૂ કરી દીધું છે. પરંતુ છ ધારાસભ્યો કોંગ્રેસની કાર્યશાળાનો બોયકોટ કરે તેવી સંભાવનાઓ છએ. જેમાં છેલ્લા કેટલાય સમયથી નારાજ ચાલી રહેલા અલ્પેશ ઠાકોર અને તેમના જૂથના MLAનો સમાવેશ થાય છે. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા, હિંમતસિંહ પટેલ, ભરતસિંહ ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ અને અનિલ જોશીયારા આબુ ન જાય તેવા સંકેત છે.
બીજીતરફ 50 કોંગી ધારાસભ્યોએ પક્ષને વફાદાર હોવાનો એકરાર કર્યો છે. કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ડર છે. જેથી ધારાસભ્યોને આબુ લઈ જવાયા છે. ધારાસભ્યો આબુ જતાં પહેલા અંબાજી ખાતે મસ્તક પણ ઝુકાવશે.
કોંગ્રેસે અલ્પેશ ઠાકોર સહિતના બાગી ધારાસભ્યોને રાજ્યસભા પેટા ચૂંટણી માટે વ્હીપ મોકલી છે, એટલુ જ નહીં પરંતુ કોંગ્રેસે આ ધારાસભ્યોના ઘરની બહાર વ્હીપની નકલ લગાવી છે. આ વ્હીપ લગાવવા ખુદ કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ સાથે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ જોડાયા હતા. ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં શું થાય છે તે આગામી સમયમાં જ ખબર પડશે.