નવી દિલ્હીઃ કોંગ્રેસે કોરોના વાયરસના મુદ્દે ભાજપ સરકારને ઘેરવા માટે નવી રણનીતિ તૈયાર કરી છે. કોંગ્રેસ આજથી સ્પીક અપ ઈન્ડિયા અભિયાન શરૂ કરી દીધું છે. આ અભિયાનમાં કોંગ્રેસના 50 લાખથી વધુ કાર્યકરો અને સમર્થકો ભાગ લેશે. આ અંતર્ગત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો પોતાનો અવાજ ઉઠાવશે.
આ અભિયાન અંતર્ગત કોંગ્રેસ સરકાર સામે મુખ્ય 4 માંગણી કરી રહી છે.જેમાં પહેલી સ્થળાંતર કરી રહેલા નાગરિકોને સલામત અને મફત ઘરે પહોંચાડવામાં આવે, બીજી દરેક ગરીબ લોકોને દસ હજાર રૂપિયાની તાત્કાલિક સહાય મળવી જોઈએ, ત્રીજી એમએસએમઈઓને આર્થિક લોન નહીં, આર્થિક મદદ આપવામાં આવે. આ ઉપરાંત મનરેગા હેઠળ મજૂરોને ઓછામાં ઓછા 200 દિવસની અવધિ આપવામાં આવે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, "બે મહિનાથી આખો દેશ કોરોના વાઇરસને કારણે ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. આઝાદી પછી પ્રથમ વખત દરેક વ્યક્તિએ આ દર્દ જોયું કે, લાખો મજૂરોને હજારો કિલોમીટર પગથી ભૂખ્યા અને તરસ્યા ચાલીને ઘરે જવાની મજબૂર થયા છે. તેમનું દુઃખ કદાચ આખા દેશો જોયું અને સાંભળ્યું પણ કદાચ સરકારે તે ન સાંભળ્યું.
રાહુલ ગાંધીએ એક સંદેશમાં કહ્યું કે, 'કોવિડને કારણે આજે દેશમાં તોફાન છે. ગરીબ લોકો દુઃખી છે. મજૂરોએ ભૂખ્યા અને તરસ્યા માર્ગો પર ચાલવું પડી રહ્યું છે. નાના ઉદ્યોગો બંધ થઈ રહ્યાં છે. આવી સ્થિતિમાં આજે ભારતના લોકોને લોનની જરૂર નથી, પરંતુ પૈસાની જરૂર છે.
રાજસ્થાન નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટે બુધવારે કહ્યું કે, પાર્ટી 28 મેના રોજ દેશભરમાં ડિજિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પર ગરીબોનો અવાજ ઉઠાવશે. કેન્દ્ર સરકાર મોટી જાહેરાતો કરી રહી છે. પેકેજની જાહેરાત કરી રહી છે, પરંતુ પૈસા ગરીબોના હાથ સુધી પહોંચ્યા નથી.