અમદાવાદ: ગુજરાત કોંગ્રેસે બુધવારે આક્ષેપ કર્યો હતો કે, 24 ફેબ્રુઆરીએ રાજ્ય સરકાર દ્વારા આયોજિત 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ રાજ્યમાં કોરોના વાઈરસના ફેલાવા માટે જવાબદાર છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે, તેમનો પક્ષ આ મુદ્દે વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) દ્વારા સ્વતંત્ર તપાસની માંગણી કરે છે. તેમણે કહ્યું હતું કે, કૉંગ્રેસ સરકારની આ "ગુનાહિત લાપરવાહી" સામે ટૂંક સમયમાં ગુજરાત હાઇકોર્ટમાં જશે.
જો કે, ભાજપે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા, અને કહ્યું હતું કે, WHO દ્વારા કોવિડ -19ને વૈશ્વિક રોગચાળો જાહેર કરવામાં આવ્યાના ઘણાં સમય પહેલા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્યમાં કોરોના વાઈરસનો પહેલો કેસ આ કાર્યક્રમના લગભગ એક મહિના પછી આવ્યો હતો. 20 માર્ચે ગુજરાતમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ નોંધાયો હતો, ત્યારે રાજકોટનો એક પુરુષ અને સુરતની મહિલા કોવિડ-19થી સંક્રમિત થયા હતા. ગુજરાત ભાજપ પ્રવક્તા પ્રશાંત વાળાએ કોંગ્રેસના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.