ન્યૂઝ ડેસ્ક: 'જ્યારે કોઇ અશ્વેત માણસનો પોલીસ સાથે ભેટો થઇ જાય, ત્યારે કાં તો તે જીવ ગુમાવે છે અથવા તેની સ્વતંત્રતા ગુમાવી દે છે' જુલાઇ, 2016માં ટ્વિટર પર એક આફ્રો-અમેરિકને આ બળાપો ઠાલવ્યો હતો. તત્કાલીન પ્રમુખ ઓબામાએ અશ્વેત યુવાનો પોલીસના અત્યાચારનો ભોગ બનતા હોવાની ઘટનાઓની આકરી નિંદા કરતાં મિનેસોટા અને લ્યુઇસિયાનામાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા આચરવામાં આવતી ક્રૂરતાને કારણે જીવ ગુમાવનારા લોકોમાં મોટાભાગના અશ્વેતો હોય છે.
ચૂંટણી સમયે રિપબ્લિકન ઉમેદવાર તરીકે પીડિતોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનારા ડોનાલ્ડ ટ્રમ્પ, આજે જ્યારે અમેરિકામાં સમાન પ્રકારના અપરાધો આચરાઇ રહ્યા છે, ત્યારે આંદોલનને ડામવા માટે લશ્કર બોલાવવાની ધમકી આપી રહ્યા છે. 1968માં માનવ હક્કોના નેતા માર્ટિન લ્યુથર કિંગની હત્યા બાદ ફાટી નિકળેલી હિંસામાં ઘણાં શહેરો સમાન સંવેદનશીલ કારણસર સંઘર્ષમાં સંડોવાયાં હતાં. એટલું જ નહીં, ઓટોપ્સી દ્વારા 46 વર્ષીય જ્યોર્જ ફ્લોઇડની હત્યા થઇ હોવાનું સાબિત થયું, તે પહેલાં એક પોલીસને ફૂટપાથ પર ક્રૂરતાપૂર્વક તેના ઢીંચણથી ફ્લોઇડની ગરદનને કચરી નાંખતો અને તેને મોતને ઘાટ ઊતારતો સમગ્ર વિશ્વએ જોયો હતો! જુલાઇ, 2014માં જ્યારે ન્યૂયોર્ક સિટી પોલીસે એરિક ગાર્નર નામના અશ્વેતની ધરપકડ કરી, તે સમયે પોલીસે તે ગૂંગળાઇ જાય, તે હદે તેને દબોચ્યો હતો. એરિક ચિત્કારી ઊઠ્યયો હતો અને તેના છેલ્લા શબ્દો એ હતા કે, તે શ્વાસ નથી લઇ શકતો (“હું શ્વાસ નથી લઇ શકતો”. આ તરફ, ફ્લોઇડના છેલ્લા શબ્દો પણ એ જ હતા - 'હું શ્વાસ નથી લઇ શકતો', જેને પગલે આ સ્લોગન બની ચૂક્યું છે અને માત્ર અમેરિકામાં જ નહીં, બલ્કે લંડન અને બર્લિનમાં પણ હિંસા ફાટી નિકળી છે. તેવામાં, દેખાવકારો પર તેઓ ઠગ તથા લૂંટારા હોવાનો આક્ષેપ મૂકવાના અને બંદૂકની ગોળીઓ અપરાધનો જવાબ આપશે, તેવી ધમકી આપવાના ટ્રમ્પના રંગભેદી વલણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.
આશરે અઢી સૈકાથી ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ઓફ દી યુનાઇટેડ સ્ટેટ્સે પ્રતિપાદન કર્યું છે કે, તમામ માણસો સમાન છે. ‘કોઇપણ સ્થળે થઇ રહેલો અન્યાય એ સર્વત્ર ન્યાય સામે રહેલું જોખમ છે,’ તેવો દાવો કરનારા તેમજ રંગભેદી નીતિઓ સામે સખ્ત લડત આપનાર માર્ટિન લ્યુથર કિંગની શહીદીના 53 વર્ષ વીતવા છતાં, અશ્વેતો સામેના અન્યાયપૂર્ણ બનાવો અવાર-નવાર સપાટી પર આવે છે. 2009માં જ્યારે ઓબામા વ્હાઇટ હાઉસમાં પ્રવેશ્યા, ત્યારે શ્વેત લોકોના વર્ચસ્વના પાયા પર પાંગરેલા અમેરિકન સમાજમાં ‘પરિવર્તન’નું પ્રતિપાદન થયું હતું અને અશ્વેત પ્રજાનાં હૃદયો આનંદથી છલકાઇ ઊઠ્યાં હતાં, પરંતુ સામાજિક અસમાનતામાં કદી પણ ઘટાડો ન થયો. પોલીસ દ્વારા આફ્રો-અમેરિકનોનાં વાહનોને અવરોધવાની શક્યતા 30 ટકા વધારે હોય છે અને શ્વેત લોકોની તુલનામાં અશ્વેત લોકોની તપાસ થવાનું પ્રમાણ ત્રણ ગણું વધી જાય છે, તે પ્રકારના ઓબામાના વિધાનમાં કશું જ વાંધાજનક નથી.
કોરોના મહામારીને કારણે અમેરિકામાં 1.07 લાખ લોકોએ જીવ ગુમાવ્યા, તેમાં શ્વેત લોકોની તુલનામાં ત્રણ ગણા વધુ અશ્વેતો મોતને ભેટ્યા છે! ભરતી કરતે વખતે અશ્વેતોને છેલ્લા અને છટણી કરવામાં તેમને પહેલા રાખતું અમેરિકા રંગભેદનું જીવતું જાગતું ઉદાહરણ છે! અમેરિકાની 40 મિલિયન કરતાં વધુની વસ્તીમાં અશ્વેતોનું પ્રમાણ 13.4 ટકા છે. વળી, આર્થિક નિરાશા, રોજગારી ગુમાવી દેવી અને કોરોના મહામારીના ઉપદ્રવના સમયમાં તેઓ ઝાઝો ઊહાપોહ મચાવ્યા વિના જીવન વીતાવી રહ્યા છે. માર્ટિન લ્યુથર કિંગે સાચું જ કહ્યું છેઃ “તોફાન એ દબાયેલા સમુદાયની ભાષા છે”, જગત જમાદાર અમેરિકામાં અત્યારે હિંસાનો ચરૂ ઊકળી રહ્યો છે અને ટ્રમ્પના ઉશ્કેરતા શબ્દો બળતામાં ઘી હોમવાવનું કામ કરી રહ્યા છે. વંશવાદી ઘૃણાના સમયે ચૂંટણી તથા બીજી વખત સત્તા પર આવવાનું આયોજન કરવાનું ટ્રમ્પનું વલણ ઘાતજનક છે. કદાચ તેમને એવો આત્મવિશ્વાસ છે કે, ગયા વખતની જેમ આ વખતે પણ નિમ્ન વર્ગ તથા મધ્યમ વર્ગની શ્વેત પ્રજા તેમને સત્તા પર લાવી દેશે. જો બિડેન જણાવે છે કે, તેઓ સત્તા પર આવ્યાના પ્રથમ સો દિવસની અંદર ઓર્ગેનાઇઝ્ડ વંશવાદ (રંગભેદ)ની સમસ્યાને ઉકેલવા ક્ષેત્રે કામ કરશે. જો રંગભેદ એ રાજકારણ માટેની કાચી સામગ્રી બને, તો અમેરિકા રંગભેદમાંથી ક્યારે બહાર આવશે?