મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે કોલકતામાં ભાજપા અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસાને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન પર આકરા પ્રહારો કર્યા છે. તેઓએ કહ્યું કે, મમતા બેનર્જી ચૂંટણીની હારથી ડરી ગયા છે અને તે લોકતંત્રની હત્યા કરી રહ્યા છે.
હું ચૂંટણી કમિશન પાસે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરવા અપીલ કરુ છું. બીજી તરફ રોડ શો દરમિયાન થયેલી હિંસાને પગલે ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે નવી દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજશે.
જણાવી દઇએ કે, લોકસભા ચૂંટણી આખરી તબક્કામાં ચાલી રહી છે. મંગળવારે ભાજપા અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન હંગામો થયો હતો. જે દરમિયાનમાં પત્થરમારો પણ થયો હતો અને વાહનોમાં આગ ચાંપી દીધી હતી.
ભાજપાએ તેને માટે TMCને જવાબદાર ગણાવ્યા છે. બીજી તરફ TMCએ પૂરી ઘટનાને લઇ ભાજપાને જવાબદાર ગણાવે છે.
અમિત શાહે જણાવ્યું કે, કોલકતામાં રોડ શો દરમિયાન આવેલી જનતાથી નિરાશ થઇને મમતા બેનર્જીના ગુંડાઓએ રોડ શો માં હુમલો કર્યો હતો. મને બંગાળની જનતા પર વિશ્વાસ છે કે આ હિંસાનો જવાબ પોતાના મતથી TMCને ફેંકી દેશે.
મને આશા છે કે, ચૂંટણી પંચ TMCના ગુંડાઓની ધરપકડ કરી બંગાળમાં શાંતિ પુનઃસ્થાપિત કરશે, માહિતી મુજબ ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે આ મામલાને લઇને દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે.