સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ બુધવારે બપોરે બે વાગ્યે પોતાનો ચુકાદો સંભળાવશે. પીઠના અન્ય સભ્યોમાં જસ્ટિસ એન.વી. રમણા, જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્ના સામેલ છે.
સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર મંગળવારે ચુકાદો આપવાની નોટિસ જાહેર કરવામાં આવી હતી.
હાઇકોર્ટ અને સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન (સીઆઈસી)ના આદેશો સામે સુપ્રીમ કોર્ટના મહાસચિવ અને કેન્દ્રીય માહિતી અધિકારીએ 2010માં દાખલ કરેલી અપીલ પર પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચે 4 એપ્રિલના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સુનાવણી પૂર્ણ કરતાં કહ્યું કે, કોઈ પણ 'અસ્પષ્ટ વ્યવસ્થા' ઇચ્છતો નથી, પરંતુ પારદર્શિતાના નામે ન્યાયતંત્રનો નાશ કરી શકાય નહીં. તેણે કહ્યું હતું કે, 'કોઈ પણ અંધારાની સ્થિતિમાં રહેવા અથવા કોઈને અંધારાની સ્થિતિમાં રાખવા માંગતું નથી. તમે પારદર્શિતાના નામે કોઈ સંસ્થાને નષ્ટ કરી શકતા નથી.
દિલ્હી હાઈકોર્ટે 10 જાન્યુઆરી, 2010ના રોજ એક નિર્ણાયક ચુકાદામાં જણાવ્યું હતું કે, મુખ્ય ન્યાયાધીશનું કાર્યાલય RTI કાયદાના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ન્યાયિક સ્વતંત્રતા ન્યાયાધીશનું વિશેષઅધિકાર નથી, પરંતુ તેમના પરની જવાબદારી છે.
આ 88 પાનાના નિર્ણયને ત્યારબાદના મુખ્ય ન્યાયાધીશ કે.જી. બાલકૃષ્ણનને આ એક વ્યક્તિગત આંચકો તરીકે જોવામાં આવ્યું હતું. જેમણે RTI એક્ટ હેઠળ ન્યાયાધીશોને લગતી માહિતી જાહેર કરવાનો વિરોધ કર્યો હતો.
હાઇકોર્ટે CJIના કાર્યાલયને RTIના દાયરામાં લાવવાથી ન્યાયિક સ્વતંત્રતા 'વિક્ષેપિત' થવાની સર્વોચ્ચ અદાલતની આ અરજીને ફગાવી દીધી હતી.