ન્યૂઝ ડેસ્કઃ પાકિસ્તાન ઉત્તરી લદ્દાખની સરહદે 20,000 સૈનિકો મોકલી રહ્યો છે અને ચીન કાશ્મીરમાં આતંક ફેલાવવાનું કામ કરી રહેલા જૂથો સાથે વાતચીત કરી રહ્યો છે, તેવા અહેવાલોએ એકસાથે અઢી મોરચે લડાઈ- જેમાં ભારતે ચીન અને પાકિસ્તાનને સરહદો ઉપર એકસાથે હંફાવવાના છે અને આ જ સમયે કાશ્મીર અને ઉત્તર પૂર્વના અન્ય વિસ્તારોમાં આતંકીઓના જૂથો સાથે પણ કામ પાર પાડવાનું છે-જેવી પરિસ્થિતિનો ભય સર્જાયો છે. આ બન્ને દેશો પોતાનાં સંબંધો હંમેશા પર્વતો કરતાંયે ઊંચા, સાગર કરતાંયે ઊંડાં, સ્ટીલ કરતાંયે મજબૂત અને મધ કરતાંયે મીઠાં હોવાનું જણાવીને અવારનવાર નવાજતા રહ્યા છે.
ચીન અને પાકિસ્તાન વચ્ચેનાં સંબંધો માટે કેટલાંક મહત્ત્વનાં પરિબળો જવાબદાર છે.
પાકિસ્તાન અને ચીન વચ્ચેનાં સંબંધો મજબૂત બનાવે તેવાં મુખ્ય પરિબળો આ મુજબ છે.
ભૌગોલિક નિકટતા
પાકિસ્તા એકમાત્ર એવો દેશ છે, જેની સાથે ચીને સરહદ અંગેનો વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલ્યો હોય. વર્ષ 1963ના માર્ચ મહિનામાં ચીન અને પાકિસ્તાને સરહદ બાબતે સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યાં હતાં. ગિલગિટ બાલ્ટિસ્તાન અને પીઓકે (જેને માટે ભારત પોતાનો પ્રદેશ હોવાનો દાવો કરે છે), તે ચીનના શિનજિયાન્ગ ઉયઘુર ઓટોનોમસ રિજિયન સાથે જોડાયેલો છે. બન્ને દેશોની સંયુક્ત સરહદ 523 કિલોમીટર છે.
પાકિસ્તાનનું ભૌગોલિક રીતે વ્યૂહાત્મક સ્થાન
પાકિસ્તાનનું વ્યૂહાત્મક સ્થાન પણ મહત્ત્વનું પરિબળ છે. પાકિસ્તાન ભારત સાથે સરહદેથી જોડાયેલો છે. આ ઉપરાંત તે અફઘાનિસ્તાન અને ઈરાન સાથે પણ જોડાયેલો છે અને તેને અરબ સાગરનો દરિયાકિનારો પણ મળે છે. તે ત્રણ મહત્ત્વપૂર્ણ પ્રદેશોની મધ્યમાં સ્થિત છે. દક્ષિણ, પશ્ચિમ અને મધ્ય એશિયા, તેમજ ઉર્જાથી સમૃદ્ધ મધ્ય એશિયા અને મધ્ય પૂર્વના દેશોથી પણ નજીક છે. ચીને આ વ્યૂહાત્મક સ્થાનનો લાભ લેવાનું શરૂ કર્યું હતું. 1970ના દાયકા દરમિયાન કારાકોરમ હાઈવેનું બાંધકામ પણ આનો જ ભાગ હતું. આ પ્રદેશમાં સીપીઈસી, ચાઈના, પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પણ ચાલુ છે.
ભારતીય પરિબળ
ચીન અને પાકિસ્તાનનાં સંબંધો વર્ષ 1962માં જ્યારે ચીન અને ભારત વચ્ચે સરહદ માટે યુદ્ધ થયું તે વખતે જ શરૂ થયાં. ભારતે બન્ને દેશો સાથે યુદ્ધ કર્યાં. ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં ચીન પાકિસ્તાન તરફ ઝૂકી ગયું અને તેણે પાકિસ્તાનને મદદનો હાથ લંબાવ્યો. શસ્ત્રો પૂરાં પાડ્યાં, પરમાણુ શક્તિ અને મિસાઈલ કાર્યક્રમમાં પણ મદદ કરી.
આર્થિક સંબંધો
- વર્ષ 2013માં પાકિસ્તાન સાથે જોડાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્લાનના ભાગરૂપે ચીને સીપીઈસી એટલે કે ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડરનાં બાંધકામ માટે 60 અબજ ડોલરનું ધિરાણ આપ્યું. આ કોરિડોર રસ્તાઓ, પાઈપાઈન્સ, પાવર પ્લાન્ટ્સ, ઈન્ડસ્ટ્રિયલ પાર્કસ અને અરબી સમુદ્ર કિનારે બંદરનું નેટવર્ક છે. આ કોરિડોર, બંને દેશો વચ્ચેના પ્રાદેશિક જોડાણો અને વેપાર વધારવાના ઈરાદાથી ચીને શરૂ કરેલી એક ટ્રિલિયન ડોલરના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ (બીઆરઆઈ)નો ભાગ છે.
- ચીને પાકિસ્તાનના કારાકોરમ હાઈવે (કેકેએચ), હેવી મિકેનિકલ કોમ્પ્લેક્સ (એચએમસી), પાકિસ્તાન એરોનોટિકલ કોમ્પ્લેક્સ (પીએસી), ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ, રસ્તાઓ, ધોરી માર્ગો, બંધો, થર્મલ પાવર પ્રોજેક્ટો, સિમેન્ટ પ્લાન્સ્ટ, ગ્લાસ ફેક્ટરીઓ જેવા મેગા પ્રોજેક્ટોમાં રોકાણ કર્યાં અને સૌથી તાજું ઉદાહરણ સીપીઈસીમાં રોકાણનું છે.
- ગ્વાડર, વ્યૂહાત્મક રીતે શ્રેષ્ઠ કુદરતી બંદરગાહ છે. જેને પાકિસ્તાને ફેબ્રુઆરી, 2013માં ચીનને સંપૂર્ણ માળખાકીય વિકાસ માટે સોંપી દીધું. ગ્વાડર મળતાં જ ચીનને, હિંદ મહાસાગરમાં ભારતીય નૌસેનાની હલનચલન ઉપર નજર રાખી શકાય તે માટે આઉટપોસ્ટ મળી ગયું.
ઈસ્લામિક વિશ્વનું પરિબળ
- પાકિસ્તાનને કારણે જ ચીન, ઈરાન તેમજ સાઉદી અરેબિયા સાથે રાજદ્વારી સંબંધો સ્થાપી શક્યું.
- પાકિસ્તાન જ અન્ય ઈસ્લામિક દેશોને શિનજિયાંગમાં લઘુમતિ મુસ્લિમો પ્રત્યેની નીતિઓની ટીકા કરતાં અને તેમની સમસ્યાઓને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી) સમક્ષ લઈ જતાં અટકાવી રહ્યો છે.
- ચીન જે રીતે તેની મુસ્લિમ વસ્તી સાથે વ્યવહાર કરે છે, તેની આલોચના કરવાને બદલે પાકિસ્તાન, તેને મુસ્લિમ બહુમતિ ધરાવતા દેશ તરીકે રાજદ્વારી ટેકો આપી રહ્યો છે.
- વર્ષ 2009માં ટર્કીએ ચીનની અત્યાચારભરી નીતિઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખાસ કરીને જુલાઈ, 2009માં શિનજિયાંગમાં થયેલી કોમી અથડામણોમાં 197 લોકો માર્યા ગયાં હતાં, ત્યારે કેટલાક સભ્ય દેશોએ ઓઆઈસીને આ બાબત હાથ ઉપર લેવા જણાવ્યું હતું, પરંતુ પાકિસ્તાને આવાં પગલાંને અટકાવ્યાં હતાં.
- પાકિસ્તાને ઉયઘર સમુદાયના પ્રશ્નો સહિત ચીન સાથે સંકળાયેલા તમામ મુદ્દે ઓઆઈસી સમક્ષ ધા નાખાવાને બદલે દ્વિપક્ષીય વાતચીત કરીને ઉકેલ લાવવા માટે સભ્ય ઈસ્લામિક દેશોને સહમત કરી લીધા હતા.
સંરક્ષણ ક્ષેત્રે સહયોગ
- સંરક્ષણ ક્ષેત્રે ચીને પાકિસ્તાન સાથે મળીને ઉત્પાદન, પરવાના મંજૂર કરવા, પાકિસ્તાનના ટેકનિશિયનોને તાલીમ આપવી અને ટેકનોલોજી ટ્રાન્સફર સહિતનાં ક્ષેત્રોમાં જોડાણ કર્યાં છે.
- ચીનના પરવાનાને પગલે પાકિસ્તાન બંદૂકો, એરક્રાફ્ટ (ટ્રેઇન તેમજ ફાઈટર, બંને), ટેન્ક્સ અને એન્ટી-ટેન્ક મિસાઈલ્સનું ઉત્પાદન કરી શકે છે. બંને દેશોએ સાથે મળીને જેએફ-17 નામે અદ્યતન એરક્રાફ્ટ બનાવ્યું છે, નૌસેના ફ્રિગેટ્સ અને સબમરીન્સનું કન્સ્ટ્રક્શન ચાલુ છે.
અમેરિકાનું પરિબળ
અમેરિકાના લશ્કર તેમજ આર્થિક સહાય ઉપર પાકિસ્તાનની નિર્ભરતા તેના શરૂઆતના દિવસોમાં આરંભાઈ હતી. બન્ને દેશોએ 1950ના દાયકામાં સંરક્ષણ સમજૂતીઓ કરી હતી અને 1980ના દાયકામાં અફઘાનિસ્તાન ઉપર રશિયાના આક્રમણ સામે પરસ્પર ઘનિષ્ઠ સહયોગ સાધ્યો હતો તેમજ નાઈન-ઈલેવન પછી પણ જોડાણો કર્યાં હતાં. તો પણ, તેઓ સાતત્યપૂર્ણ સંબંધો વિકસાવી શક્યાં નથી. અમેરિકા સાથેનાં સંબંધોમાં ભંગાણને કારણે પણ પાકિસ્તાન ચીન તરફ ખેંચાતું ગયું.
ચીન પાકિસ્તાનને મદદ કરે છે, તેનાં ઉદાહરણો
વધેલા વૈશ્વિક દબાવ છતાં પણ ચીને અનેક પ્રસંગે પાકિસ્તાનને ટેકો આપ્યો છે, કેટલાંક ઉદાહરણો
- વર્ષ 1972માં યુનાઈટેડ નેશન્સમાં પાકિસ્તાને બાંગ્લાદેશના પ્રવેશ ઉપર પાબંદીની માગણી કરી ત્યારે ચીને સૌપ્રથમવાર તેનો વીટો પાવર વાપરીને પાકિસ્તાનની તરફેણ કરી હતી.
- ભારતે જ્યારે પણ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માગ ઉઠાવી, ત્યારે ચીને વીટો વાપરીને આ માગ ફગાવી. આવું વર્ષ 2009, 2016, 2017 અને માર્ચ, 2019માં બન્યું. તે પછી ચીને મસૂદ અઝહર બાબતે પોતાનું વલણ પલટ્યું.
- ટર્કી અને મલેશિયા સાથે મળીને ચીને પાકિસ્તાનને ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) દ્વારા બ્લેકલિસ્ટ થતાં ઉગાર્યો.
સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં જમ્મુ અને કાશ્મીરને વિશેષ સ્વતંત્ર દરજ્જો આપતી કલમ 370 રદ્દ કરવા બાબતે ભારતને ચર્ચામાં ફસાવવાના ત્રણ વાર પ્રયાસો કર્યાં હતાં, પરંતુ તેને કોઈ ઈચ્છિત પરિણામો મળ્યાં નહીં.
સ્ત્રોત: માધ્યમોના અહેવાલો