જયપુર: મુખ્યપ્રધાન અશોક ગેહલોતની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારે રાજસ્થાન વિધાનસભામાં બહુમતી સાબિત કરી છે. સરકાર વતી સંસદીય બાબતોના પ્રધાન શાંતિ ધારીવાલે વિશ્વાસ પ્રસ્તાવ આગળ વધાર્યો હતો. આ દરખાસ્ત પર ચર્ચા શરૂ કરતાં ધારીવાલે કહ્યું કે કેન્દ્ર સરકારના કહેવાથી મધ્યપ્રદેશ અને ગોવામાં ચૂંટાયેલી સરકારોને પછાડવામાં આવી છે. ધારીવાલે કહ્યું કે, પૈસા અને શક્તિથી સરકારોને પછાડવાનું આ કાવતરું રાજસ્થાનમાં સફળ રહ્યું નથી.
સંસદીય બાબતોના પ્રધાન અને સીએમ ગેહલોતના સૌથી નજીકના શાંતિ ધારીવાલે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, અમે તેને અહીં મધ્યપ્રદેશ અથવા ગોવાની જેમ બનવા દીધું નથી. ''આ સાથે શાંતિ ધારીવાલે ગૃહપ્રધાન અમિત શાહ અને પીએમ મોદી ઉપર પણ નિશાન સાધ્યું હતું.
વિશ્વાસ મત અંગે ચર્ચા કરતી વખતે મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે, ચૂંટાયેલી સરકારોને પછાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે ભૈરોસિંહ સરકારને પછાડવાનું કાવતરું કરવામાં આવ્યું ત્યારે હું રાજ્યપાલ અને વડાપ્રધાન પાસે ગયો હતો.
મુખ્યપ્રધાન અશોક ગેહલોતે તેમના સંબોધન દરમિયાન વિપક્ષી નેતા ગુલાબચંદ કટારિયાને નિશાન બનાવ્યા હતા. સીએમ ગેહલોતે કહ્યું, 'વડાપ્રધાન કહે છે કે અન્ય રાજ્યોએ રાજસ્થાનથી પ્રેરણા લેવી જોઈએ. દેશમાં રાજકીય પક્ષમાં ઘણીવખત મતભેદો થઇ જાય છે. આવું તમારી પાર્ટીમાં પણ વસુંધરા રાજે સાથે પણ થયું હતું. રાજસ્થાનમાં ફોન ટેપીંગ કરવાની પરંપરા ન હતી, તેમણે કહ્યું કે કાવતરું તમારી પાર્ટી અને તમારી હાઈકમાન્ડ વિરુદ્ધ હતું. તમે કર્ણાટક, મધ્યપ્રદેશ, ગોવા અને મણિપુરમાં શું કર્યું? તેમણે કહ્યું કે તમને આ બાબતની ચિંતા નથી કે સમગ્ર દેશમાં લોકશાહી જોખમમાં છે, ફક્ત બે જ લોકો શાસન કરી રહ્યા છે.