હિમાચલ પ્રદેશ : કુલ્લૂ જિલ્લાના બંજાર વિધાન સભા સીટના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર શૌરીએ 1 ઓક્ટબરના રોજ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ 2 એક્ટોબરની સાંજે પોઝિટિવ આવ્યો હતો. આ દરમિયાન 2 ઓક્ટોબરના રોજ ધારાસભ્ય સુરેન્દ્ર શૌરી સોલંગનાલા પહોંચ્યા હતા. જ્યાં 3 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અટલ ટનલનું ઉદ્ધઘાટન કર્યા બાદ જનસભાનું સંબોધન કરવાના હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાજ્ય નાણા પ્રધાન અનુરાગ ઠાકુર, હિમાચલના મુખ્યપ્રધાન જયરામ ઠાકુર ઉપરાંત ઘણા પ્રધાનો હાજર રહ્યા હતા. કોરોના સંક્રમિત ધારાસભ્યની બેદરકારીને કારણે વડાપ્રધાનથી મુખ્યપ્રધાન સુધીના લોકોને કોરોના સંક્રમણ થવાનું જોખમ છે.
શું છે સમગ્ર ઘટના?
કુલ્લૂ જિલ્લાની બંજર વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર શૌરીએ 1 ઓક્ટોબરના રોજ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. 2 ઓક્ટોબરની સાંજે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે દરમિયાન ધારાસભ્ય સુરેન્દ્ર શૌરી 2 ઓક્ટોબરના રોજ સોલંગનાલા પહોંચ્યા હતા, જ્યાં 3 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી અટલ ટનલના ઉદ્ઘાટન બાદ જાહેર સભાનું સંબોધન કરવાના હતા. સોલંગનાલામાં મુખ્યપ્રધાન જયરામ ઠાકુર કેટલાક અન્ય પ્રધાનો સાથે આ કાર્યક્રમની તૈયારીની સમિક્ષા કરવા માટે આવ્યા હતા. જે દરમિયાન ધારાસભ્ય સુરેન્દ્ર શૌરી મુખ્યપ્રધાન, અન્ય પ્રધાનો અને અધિકારીઓના સંપર્કમાં આવ્યા હતા.
ધારાસભ્યની બેદરકારી
ધારાસભ્ય સુરેન્દ્ર શૌરીએ 1 ઓક્ટોબરના રોજ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ, કોવિડ 19ને લગતી સાવચેતીઓને અવગણી હતી અને રિપોર્ટ આવે તે પહેલા તેમને રેલી સ્થળે પહોંચ્યા હતા. જે દરમિયાન મુખ્યપ્રધાન સહિત અન્ય પ્રધાનો, નેતાઓ અને અધિકારીઓના સંપર્કમાં આવ્યા હતા. જો કે, ધારાસભ્યને આ બધી મિટિંગ્સ દરમિયાન કોરોના પોઝિટિવ હોવા અંગેની જાણકારી તેમને ન હતી, પરંતુ કોવિડ 19 સંબંધિત સાવચેતી અને નિયમોના આધારે ધારાસભ્યએ કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ, તેમને રિપોર્ટની રાહ જોવી જોઈતી હતી, પરંતુ ધારાસભ્યએ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ક્વોરેન્ટાઇન થયા ન હતા.
મુખ્યપ્રધાન અને વડાપ્રધાનને કોરોના સંક્રમણ થવાની શક્યતા
અટલ ટનલના ઉદ્ઘાટન સમારોહ બાદ મુખ્યપ્રધાન જયરામ ઠાકુર શિમલા પહોંચ્યા હતા. તેમને સાવચેતીના ભાગરૂપે પોતાને ક્વોરેન્ટાઇન કર્યા છે. મુખ્યપ્રધાન જયરામ ઠાકુર અને કેબિનેટ પ્રધાન રાકેશ પઠાણિયા ધારાસભ્ય સુરેન્દ્ર શૌરીના પ્રાથમિક સંપર્કમાં આવ્યા હતા. ધારાસભ્ય સુરેન્દ્ર શૌરીની બેદરકારીને લીધે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યપ્રધાન જયરામ ઠાકુરથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાજ્ય નાણા પ્રધાન અનુરાગ ઠાકુર, VIP અને VVIP મહેમાનો પર હાલ કોરોના સંક્રમણનું જોખમ છે.
મુખ્ય પ્રધાન અને પ્રધાનો સહિત ઘણા લોકો થયા ક્વોરેન્ટાઇન
રાકેશ પઠાનિયાએ જણાવ્યું કે, શૌરી કોરોના સંક્રમિત થયાની જાણકારી મુખ્ય પ્રધાન ક્વોરેન્ટાઇન થયા બાદ મળી હતી. શૌરી સાથે દૂરથી મુલાકાત થઇ હતી, જે દરમિયાન અમે બન્નેએ માસ્ક પહેર્યા હતા. તેમ છતા કોરોના પ્રટોકોલ અનુસાર હું ક્વોરેન્ટાઇન થયો છું. મુખ્ય પ્રધાન અને પ્રધાનો ક્વોરેન્ટાઈન થયા બાદ મુખ્ય પ્રધાનના રાજનૈતિક સલાહકાર ત્રિલોક જામવાલ, ભાજપના સંગઠન મહામંત્રી પવન રાણા સહિત 6થી વધુ લોકો ક્વોરેન્ટાઇન થયા છે.
બેદરકાર ધારાસભ્ય સામે લેવાશે પગલા?
એક ધારાસભ્યના કારણે CMથી લઇને PMને કોરોના સંક્રમણ થવાનું જોખમ છે. કોરોના વાઇરસના સંક્રમણ દરમિયાન રાજનેતાની આવી ગંભીર બેદરકારી ઘણા સવાલો ઉભા કરે છે. કોરોના અંગેની ગાઇડલાઇન મુજબ કોરોના સંક્રમણના લક્ષણો અને કોરોનાનો રિપોર્ટ કરાવ્યા બાદ આઇસોલેટ થવું જરૂરી છે, પરંતુ ધારાસભ્ય સુરેન્દ્ર શૌરી ગંભીર બેદરકારી દાખવી છે. હવે સવાલ એ છે કે, આ બેદરકારી બાબતે ધારાસભ્ય સામે કોઇ પગલા લેવામાં આવશે કે કેમ?