લખનઉ: ચેતન ચૌહાણ યોગી સરકારના બીજા કેબિનેટ પ્રધાન હતા, જેમનું કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયું છે. આ અગાઉ કેબિનેટ પ્રધાન કમલા રાનીનું કોરોના વાઇરસના કારણે લખનઉના પીજીઆઈ ખાતે અવસાન થયું હતું. જેના એક દિવસ બાદ ચેતન ચૌહાણની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેમની કિડની ફેલ થઇ ગઈ હતી. જેના કારણે તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.
સાંજે સાડા ચાર વાગ્યે કાર્ડિયક અરેસ્ટને કારણે ચેતન ચૌહાણનું મોત નીપજ્યું હતું. ચેતન ચૌહાણને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. ચેતન ચૌહાણનો કોરોના રિપોર્ટ જુલાઈ મહિનામાં જ પોઝિટિવ આવ્યો હતો. ચેતન ચૌહાણના અવસાન પછી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે.
ચેતન ચૌહાણ ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન હતા. ચેતન ચૌહાણે ભારતીય ક્રિકેટ ટીમ માટે 40 ટેસ્ટ મેચ રમી હતી. આ સિવાય ચેતન ચૌહાણે સાત વનડેમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ચેતન ચૌહાણે ટેસ્ટ મેચોમાં 2084 રન બનાવ્યા હતા. ટેસ્ટ મેચોમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 97 રન હતો.
ક્રિકેટ બાદ ચેતન ચૌહાણે રાજકારણમાં પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી. ચેતન ચૌહાણ ભારતીય રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા. ચેતન ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના લોકસભા સાંસદ પણ રહી ચૂક્યા છે. 1991 અને 1998 ની ચૂંટણીમાં તેઓ ભાજપના ટિકિટ પર સાંસદ બન્યા હતા. હાલમાં ચેતન ચૌહાણ ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં પ્રધાન હતા.