નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE ) સપ્ટેમ્બરમાં ધોરણ 10 અને 12ની કમ્પાર્ટમેન્ટ પરીક્ષાઓ લેવાનું વિચારી રહ્યું છે. ગુરુવારે બોર્ડ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.આ સાથે CBSE એ આ વર્ષે કમ્પાર્ટમેન્ટની પરીક્ષાઓ રદ કરવાની અફવાઓ પર વિરામ લગાવ્યો હતો. બોર્ડની પરીક્ષાઓમાં પ્રદર્શન સુધારવા માટે આ પરીક્ષા લેવાના ફોર્મ 13 અને 20 ઓગસ્ટની વચ્ચે ભરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ 1 થી 15 જુલાઇ સુધી પરીક્ષા નથી આપી તેઓ માટે વૈકલ્પિક પરીક્ષાઓના ફોર્મ પણ ભરવામાં આવશે.
કોરોના સમય દરમિયાન દેશભરના સેંકડો વિદ્યાર્થીઓએ CBSE વતી સુપ્રીમ કોર્ટમાં કમ્પાર્ટમેન્ટ પરીક્ષાઓ યોજવા માટે અરજી કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે CBSEએ હજુ સુધી કમ્પાર્ટમેન્ટ પરીક્ષાનું શેડ્યૂલ નક્કી કર્યું નથી અને મોટાભાગની કોલેજોએ પરીક્ષા અને પ્રવેશની છેલ્લી તારીખો જાહેર કરી દીધી છે.
અરજીમાં રોગચાળો ખત્મ થાય ત્યાં સુધી CBSEના કમ્પાર્ટમેન્ટ પરીક્ષા પર સ્ટે મુકવાની માગ કરવામાં આવી છે. CBSE ધોરણ 10 માં આ વખતે 1,50,198 અને ધોરણ 12 માં 87,651 વિદ્યાર્થીઓની કમ્પાર્ટમેન્ટ આવી છે. CBSEએ ગ્રેસ માર્ક્સને નકારી કાઢતા કહ્યું કે, જે વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં નાપાસ થયા છે તેઓએ કમ્પાર્ટમેન્ટની પરીક્ષા આપવી પડશે.