મુઝફ્ફરપુરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અલ્પેશ ઠાકોર વિરુદ્ધ બિહારના કાંટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે, એક વર્ષ જૂના કેસમાં કોર્ટના આદેશ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ઉત્તર ભારતીય અને બિહારના લોકો સાથેના ભેદભાવના કેસમાં ગુજરાતના સીએમ વિજય રૂપાણી અને અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી છે. એક વર્ષ અગાઉ મુઝફ્ફરપુરની સામાજિક કાર્યકર તમન્ના હાશ્મીની ફરિયાદ પર અને એસીજેએમના આદેશ મુજબ બિહારના કાંટી એસએચઓએ કલમ-153, 295, 504 આઈપીસી હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ મથકે કોર્ટમાં આ માહિતી આપી છે.
ઉલ્લેખનીય છે કે, આ ફરિયાદ એસીજેએમ કોર્ટમાં 11-10-2018ના રોજ સામાજિક કાર્યકર તમન્ના હાશ્મી દ્વારા કરાઈ હતી. જેમાં એક વર્ષ પહેલા બિહારના મજૂરો ઉપર થયેલા અત્યાચાર વિરુદ્ધ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અલ્પેશ ઠાકોર વિરુદ્ધ આરોપો હતાં. આ અરજી મુઝફ્ફરપુરની એસીજેએમની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
શું હતો સમગ્ર મામલો?
સાબરકાંઠાના એક ગામની ફેક્ટરીમાં પરપ્રાંતીય શ્રમિક યુવક દ્વારા બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું, ત્યારબાદ આરોપી યુવકને પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી લઇ કઠોર કાર્યવાહી કરી હતી, પરપ્રાંતીય યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતા સખત વિરોધ થયો હતો. સ્થાનિક લોકોએ બજાર જડબેસલાક બંધ પાળી આરોપીને ફાંસીની સજા આપવાની ઉગ્ર માંગ કરી હતી. જો કે, દુષ્કર્મની ઘટના બાદ હિંમતનગર સહિત સાબરકાંઠા સહિત ગુજરાતમાં પરપ્રાંતીયો વિરૂદ્ધ ધમકી અને ધ્રૃણાજનક સંદેશાઓ વાયરલ થયાં હતાં. હિંમતનગર આસપાસની ફેકટરીઓમાં ટોળાઓએ ઘટનાના વિરોધમાં પરપ્રાંતીય શ્રમિકોને નિશાન બનાવી હુમલાઓ કરતા પોલીસ તંત્ર દ્વારા ગુનાઓ દાખલ કરી અટકાયતની કાર્યવાહી કરાઈ હતી.
પરપ્રાંતીયોનું પલાયન
કથળેલી સ્થિતિ નિયંત્રણમાં ન આવતા ભયનો માહોલ સર્જાયો અને વિવિધ ફેક્ટરીમાં કામ અર્થે આવેલા પરપ્રાંતીયો પોતાના વતન તરફ પલાયન કરવા લાગ્યાં હતાં. શ્રમિકોના નિવાસ સ્થાન સાથે ફેક્ટરીઓમાં થતા હુમલાઓને કારણે પરપ્રાંતીય શ્રમિકો ભયભીત બની પોતાના વતન તરફ ઘર વળ્યાં હતાં. પલાયન કરનારામાં સૌથી વધારે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો સામેલ હતાં. જે બાદ ગુજરાતના મુખ્યપ્રધાન અને અલ્પેશ ઠાકોરનો બિહારમાં વિરોધ થયો હતો.આ અંગે એક વર્ષ અગાઉ મુઝફ્ફરપુરના સામાજિક કાર્યકર તમન્ના હાશ્મીએ કોર્ટમાં એક ફરિયાદ દાખલ કરી હતી. જેના એસીજેએમના આદેશ મુજબ બિહારના કાંટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે.