નવી દિલ્હીઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ ગુજરાતના દહેજમાં બોઈલર બ્લાસ્ટના કેસમાં કંપનીને 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એનજીટી અધ્યક્ષ ન્યાયાધીશ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી બેંચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા પછી આ આદેશ આપ્યો છે.
NGTએ ભરૂચના યશસ્વી રસાયણ પ્રાઈવેટ લિમિટેડને 10 દિવસમાં ભરૂચના જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે 25 કરોડ રૂપિયા જમા કરાવવા નિર્દેશ આપ્યો છે. એનજીટીએ કહ્યું કે, જો કંપની પહેલાથી જ પીડિતોને કોઈ વળતર આપી ચૂકી છે, તો તે રકમ આ 25 કરોડમાંથી ઘટાડવી. 3 જૂને બોઇલર બ્લાસ્ટમાં 8 કામદારોનાં મોત નીપજ્યાં હતાં.
NGTએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ પીડિતોને વળતર આપવા માટે યોજના ઘડશે. યોજનાને એવી રીતે ઘડાશે કે પીડિતો સુધી પહોંચવા માટે વળતરની રકમમાં કોઈ હેરફેર ન થાય. એનજીટીએ ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ બી.સી.પટેલની અધ્યક્ષતામાં 6 સભ્યોની સમિતિની રચના પણ કરી અને એક મહિનામાં રિપોર્ટ માંગ્યો છે.