નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીના મુખ્ય સચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને વિનંતી કરી છે કે, આ કેસ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવે અને ગુનેગારોને સજા કરવામાં આવે. તેમણે કહ્યું કે, આ ઘટના બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. કોંગ્રેસ પાર્ટી ઘટનાની નિંદા કરે છે. આપણા સમાજમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. આ મામલે કડક કાર્યવાહી થવી જોઈએ.
મહારાષ્ટ્ર સરકારે આ મામલે 110 લોકો સામે FIR દાખલ કરી છે. સરકારે ડીઆઇડીને (ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ) તપાસનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે જે લોકોની ધરપકડ કરવામાં આવી તે લોકો સ્થાનિક આદિવાસી છે. આ સાંપ્રદાયિક અથવા હિન્દુ-મુસ્લિમ બાબત નથી.
તેમણે કહ્યું કે, અમે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને આગ્રહ કર્યો છે કે, તેઓ ઝડપી કાર્યવાહી કરે અને ગુનેગારોને સજા આપે. કોંગ્રેસ રાજ્યની ગઠબંધન સરકારનો એક ભાગ છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના 16 એપ્રિલની રાત્રે બની હતી. જેમાં ટોળા દ્વારા ચોર હોવાની શંકાએ ત્રણ લોકોને માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ મૃતકોમાં જૂના અખાડાના બે સંતો પણ છે. આ ઘટનામાં સામેલ થવા બદલ કેટલાક સગીર સહિત 100થી વધુ લોકોની પોલીસે ધરકકડ કરી છે.