મધ્ય પ્રદેશના રાજ્યપાલે પત્ર લખીને મુખ્યપ્રધાન કમલનાથને 17 માર્ચે ફ્લોર ટેસ્ટ કરાવવાનું કહ્યું હતું. જે બાદ મુખ્યપ્રધાન કમલનાથ રાજભવન પહોંચ્યાં હતા. રાજ્યપાલ સાથે મુલાકાત બાદ કમલનાથે કહ્યું કે, અમારી પાસે બહુમત છે. મારે ફ્લોર ટેસ્ટ કેમ કરાવવો જોઈએ?
ફ્લોર ટેસ્ટને લઇને સોમવારે ભોપાલમાં સવારથી રાત સુધી રાજકારણ ગરમાયું હતું. વિધાનસભાનું બજેટ સત્રમાં રાજ્યપાલ લાલજી ટંડનનું અભિભાષણ થયું હતું. રાજ્યપાલે 1 મિનિટે ભાષણ આપ્યું હતું. સ્પીકરે વિધાનસભાને 26 માર્ચ સુધી સ્થગિત કરી હતી.
ભાજપ આ મામલે સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. જેના પર આવતીકાલે સુનાવણી થશે. ભાજપના 106 ધારાસભ્યોની રાજભવનમાં પરેડ કરવામાં આવી હતી. સોમવારે સાંજે રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યપ્રધાન કમલનાથને પત્ર લખ્યો હતો.
શું છે વિધાનસભાનું ગણિત?
મધ્યપ્રદેશ વિધાનસભામાં વર્તમાનમાં 228 ધારાસભ્યો છે. સ્પીકરે 6 ધારાસભ્યોના રાજીનામાં મંજૂર કર્યાં છે. બેંગલૂરુમાં કોંગ્રેસના 16 ધારાસભ્યો છે. જે ફ્લોર ટેસ્ટ દરમિયાન હાજર ન થાય તો, સંખ્યા 206 થઇ જશે. તેવામાં બહુમતનો આંકડો 104 છે. 107 ધારાસભ્યોની સાથે ભાજપ સરકાર બનાવવામાં સફળ થશે. કોંગ્રેસની પાસે 92 ધારાસભ્યો છે. 7 બીજી પાર્ટીઓના ધારાસભ્યો પણ કોંગ્રેસને નહીં બચાવી શકે.