ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ અંગે મીડિયા સાથે વાત કરી હતી. પાત્રાએ કહ્યુ હતું કે, મનમોહનસિંહ ઉંમરમાં વડીલ છે. પરંતુ 10 વર્ષના તેમના શાસનમાં દેશ જેવી રીતે આગળ વધવો જોઈએ એ રીતે વધ્યો નથી.
સંબિત પાત્રાએ આક્ષેપ કર્યો હતો કે, મનમોહનસિંહ અર્થશાસ્ત્રી છે. પરંતુ પર્દા પાછળ જે લોકો સરકાર ચલાવી રહ્યા હતાં તેમના કારણે દેશમાં ભ્રષ્ટાચાર, પરિવારવાદને પ્રોત્સાહન મળ્યુ હતું. જેની અસર અર્થવ્યવસ્થા ઉપર પડી હતી.
મોદી શાસનકાળ અંગે પાત્રા કહ્યુ હતું કે, મોદી સરકારમાં અર્થવ્યવસ્થાનું માળખું મજબુત થયુ છે. વિશ્વમાં ભારતની વિશ્વસનિયતા વધી છે. તેઓ દેશની અર્થવ્યવસ્થાને દુનિયામાં પાંચમાં ક્રમાંકે લઈ આવ્યા છે.
પાત્રાએ વધુમાં ઉમેર્યુ કે, બેંકોના વિલીનીકરણની જાહેરાત સાથે આગામી પાંચ વર્ષોમાં આધારભૂત માળખામાં 100 કરોડનું રોકાણ કરાશે. આ ઉપરાંત ઑટોમોબાઈલ ક્ષેત્ર ઉપર પણ વિશેષ ધ્યાન રખાશે.
ઉલ્લેખનિય છે કે, ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રીમાસીકમાં આર્થિક વૃદ્વિદર ઘટીને પાંચ ટકાએ પહોંચ્યો છે. જેથી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતું. તેમજ હાલની સ્થિતિને ખુબજ ચિંતાજનક બતાવી હતી. તેમજ ખરાબ સ્થિતિ માટે સરકારના નિર્ણયો અને નિતિઓ પર સવાલ ઉઠાવ્યા હતાં. આ ઉપરાંત મનમોહનસિંહે દેશમાં ભારે મંદીના સંકેત આપ્યા હતાં.