ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટેના 46 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના 15 જેટલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉમેદવારોમાં મોટા ભાગના ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગરના દેવજી ફતેપુરાનું પત્તુ કપાયું અને તેમના સ્થાને મહેન્દ્રભાઇ મુજપરાને ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે, કે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રથમ લિસ્ટમાં ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ઉમેદવાર બનાવ્યા છે.
BJPએજાહેર કરેલા અત્યાર સુધીના ઉમેદવારોની યાદી નીચે મુજબ છે :
1. ગાંધીનગર- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ
ઉંમરના કારણે સાંસદ લાલકૃષ્ણ અડવાણીને સાઇડ લાઇન કરી તેમના સ્થાને અમિત શાહને મેદાને ઉતાર્યા છે.
2. જામનગર - પૂનમબેન માડમ
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂનમબેન માડમને BJPએ ફરી રિપીટ કરવાનું નિશ્ચિત હતું. પૂનમબેનને એક તો આહીર સમાજના મજબૂત ચહેરા માટે અને યુવા સાંસદ હોવાના કારણે લાભ મળે છે.
3. કચ્છ- વિનોદ ચાવડા
યુવા સાંસદની કામગીરી સંતોષકારક હતી અને સ્થાનિક કોઇ વિવાદ ન હોવાના કારણે રિપીટ કરવામાં આવ્યાછે.
4. અમદાવાદ પશ્ચિમ- ડો. કિરિટ સોલંકી
બે ટર્મથી સાંસદ ડો. કિરિટ સોલંકીને વધુ એકવાર લાભ મળ્યો છે. અમદાવાદ પૂર્વ અને ગાંધીનગરના ઉમેદવાર બદલાવાના કારણે લાભ મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્થાનિક અને શિક્ષિત દલિત ચહેરાનો લાભમળ્યો છે.
5. સુરેન્દ્રનગર - ડો. મહેન્દ્ર મુજપરા
સાંસદ દેવજી ફતેપરા સામે સ્થાનિક નારાજગી અને નબળી કામગીરીના કારણે બદલાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંતસ્થાનિક અને સ્વચ્છ પ્રતિભાવાળા ડો. મહેન્દ્ર મુજપરાની પસંદગી પક્ષ દ્વારા કરવામાં આવી છે.
6. ભાવનગર- ડો. ભારતીબેન શિયાળ
જ્ઞાતિગત સમીકરણનો સીધો લાભ ભારતીબેનને મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોળી મતબેંકમાં નિર્વિવાદિત ચહેરા હોવાનો સીધો લાભ મળ્યો છે. હીરા સોલંકી સામે સ્થાનિક વિરોધ હોવાથી ભારતીબેનને પક્ષે રિપીટ કર્યા છે.
7. ખેડા- દેવુસિંહ ચૌહાણ
કોંગ્રેસમાંથી આવેલા દેવુસિંહ ચૌહાણને રિપીટ કરાયા છે. સ્વચ્છ અને શિક્ષિત ચહેરાને રિપીટ કરવાનું નિશ્ચિત હતું. પીએમ મોદી અને રાષ્ટ્રીય નેતૃત્વની નજીક હોવાનો સીધો લાભ મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
8. નવસારી- સી.આર. પાટીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વાસુ સાંસદ છે. સી.આર. પાટીલની ટિકિટ કન્ફોર્મમાનવામાં આવતી હતી. નવસારી લોકસભામાં સૌથી વધુ વિકાસ કાર્યોનો લાભ મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
9. બારડોલી- પ્રભુ વસાવા
સ્થાનિક આદિવાસી સમીકરણનો લાભ મળ્યો છે. સ્થાનિક અનુભવી અને મજબૂત ચહેરો હોવાના કારણે પક્ષે રિપીટ કર્યા છે.
10.ભરુચ - મનસુખ વસાવા
સાંસદ મનસુખ વસાવાના સતત 6 ટર્મનો અનુભવ છે. મનસુખ વસાવા સામે યોગ્ય ઉમેદવારનો અભાવ હોવાથી પક્ષે વિશ્વાસ મુક્યો છે.
11. વડોદરા - રંજનબેન ભટ્ટ
રંજનબેનને બીજી વાર રિપીટ થયા છે. ભાજપના ગઢ સમાન વડોદરા બેઠક પર ભાજપે તેમનેરિપીટ કર્યા છે. જ્ઞાતિગત સમીકરણ અને મહિલા ચહેરા તરીકે પક્ષની પસંદગી બન્યા છે.
12. રાજકોટ- મોહન કુંડારીયા
પાટીદાર અગ્રણી મોહન કુંડારીયાને રિપીટ કરવાનું નિશ્ચિત હતું. સ્થાનિક મજબૂત પાટીદાર ચહેરા હોવાનો લાભ મળ્યો છે.
13. દાહોદ-જસવંતસિંહ ભાભોર
કેન્દ્રીય પ્રધાનને રિપીટ કરવાનું નિશ્ચિત હતું. આદિવાસી વિસ્તારોના સમીકરણને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે.
14. વલસાડ- કે. સી. પટેલ
હનીટ્રેપ વિવાદ છતાં ભાજપે તેમનેરિપીટ કર્યા છે. વલસાડ બેઠક જીતનાર પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે. કે. સી. પટેલની સામે તેમના ભાઇ દાવેદાર હતા. બંને ભાઇઓમાંથી કોઇ એકને પક્ષટિકિટ આપે તે નક્કી હતું.
15. સાબરકાંઠા- દિપસિંહ રાઠોડ
સ્થાનિક મજબૂત ચહેરા હોવાનો લાભ મળ્યો છે. સ્થાનિક સમીકરણોના આધારે પક્ષે રિપીટ કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
16. અમરેલી- નારણ કાછડિયા
લોકો અને કાર્યકરોમાં જાણીતા હોવાનો લાભ મળ્યો છે. સ્થાનિક હોદેદારોના વિરોધ છતાં પક્ષે રિપીટ કર્યા છે. જ્ઞાતિગત સમીકરણોનો લાભ નારણ કાછડિયાને મળ્યો છે.
BJPએ લોકસભા ચૂંટણીના ઉમેદવારોની સાથે ગુજરાતની ત્રણ વિધાનસભાની બેઠક પરના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. જેમાં માણાવદરથી ભાજપના ઉમેદવાર જવાહર ચાવડા તથા જામનગર ગ્રામ્યમાંથી રાઘવજીભાઇ પટેલ અને ધ્રાગધ્રા બેઠક પરથી પુરષોત્તમ સાબરિયાને પેટા ચૂંટણી માટેના ઉમેદવાર જાહેર કરાયા છે.
મહત્વનું છે, કે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રથમ લિસ્ટમાં ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીને સાઇડલાઇન કરીને તેની જગ્યાએ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ઉમેદવાર બનાવ્યા છે.