કુમારની આ કામગીરી અંગે બિહારશરીફ મ્યુનિસિપલ કમિશ્નર સૌરભકુમાર જોરવાલે જણાવ્યુ હતું કે, આશુતોષ એક સાચા અર્થના સામાજિક કાર્યકર છે. તેઓ લોકોને પ્લાસ્ટિકના ઉપયોગની આડઅસર વિશે સમજ આપે છે.
કુમારની આ મહેનત રંગ લાવી રહી છે. ખાસ કરીને બાળકો ઉપર તેની સકારાત્મક અસર પડી રહી છે. શાળાઓમાં જઈ તેઓ બાળકો ઉપરાંત તેમના વાલીઓને પણ પ્લાસ્ટિકથી ઉભી થતી સમસ્યા અંગે ચેતવે છે. તેઓ તેમના કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે શપથ લેવડાવે છે.
આ અંગે સામાજીક કાર્યકર આશુતોષ કુમાર માનવે જણાવ્યુ હતું કે, સામાજીક કામ માટે મેં મારુ જીવન સમર્પિત કર્યુ છે. હું 1991માં નવમાં ધોરણમાં હતો ત્યારથી સેવાકીય પ્રવૃતિ કરી રહ્યો છું.
દર રવિવારે આશુતોષ અને તેમનો મિત્ર પ્લાસ્ટિકના કચરાના કારણે ચોકઅપ થઈ ગયેલી ગટરો પણ સાફ કરે છે. તેમણે આ પહેલા સમગ્ર રાજ્યમાં ગુટખા છોડો અભિયાન પણ હાથ ધર્યુ હતું. આ ઉપરાંત તેઓ સ્વચ્છ ભારત મિશન અને જલ જીવન હરિયાળી અભિયાન સાથે જોડાયેલા છે. સામાજિક કામ માટે જીવન અને જવાની બંને ખપાવનાર આશુતોષ ખરા અર્થમાં પરિવર્તનના પ્રહરી છે.