- ભાજપે બિહાર ચૂંટણીમાં જાહેર કરેલા ઘોષણાપત્રમાં વેક્સીનનો કર્યો ઉલ્લેખ
- બિહારવાસીઓને કોરોનાની વેક્સીન મફતમાં આપવાનું ભાજપે આપ્યું વચન
- મફત વેક્સીન પર વિપક્ષે ભાજપ પર છોડ્યા સવાલોના તીર
- શિવસેના સાંસદે પણ ભાજપને સંભળાવવાનો મોકો છોડ્યો નહીં
- ભાજપની સરકાર ન હોય તે રાજ્યમાં વેક્સીન નહીં મળે?: સંજય રાઉત
મુંબઈઃ બિહાર ચૂંટણીને લઈને ભાજપે પોતાનું ઘોષણાપત્ર રજૂ કર્યું હતું. જેમાં લોકોને કોરોના વેક્સીન મફતમાં આપવાની વાત કહેવામાં આવી છે. આ વાતને લઈને હવે રાજકીય ગરમાવો આવી ગયો છે.શિવસેના સાંસદ સંજય રાઉત કેવી રીતે પાછળ રહી જાય. તેમણે પણ ભાજપ પર ટિપ્પણી કરતા કહ્યું, જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં કોરોનાની વેક્સીન નહીં મળે???
શિવસેના સાંસદ સંજય રાઉત આટલેથી જ ના રોકાયા. તેમણે જે. પી. નડ્ડા અને ડો. હર્ષવર્ધન બંનેને સવાલ કર્યો કે આ વાત સ્પષ્ટ થવી જોઈએ. આગળ તેમણે કહ્યું કે, એક સૂત્ર હતું 'તુમ મુઝે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા', પરંતુ ભાજપે આ સૂત્રને તદ્દન ફેરવી દીધું છે. હવે ભાજપનું સૂત્ર છે 'તમે મને વોટ આપો, હું તમને વેક્સીન આપીશ' સંજય રાઉતે ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું, આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભાજપ ફક્ત વોટ આપનારા મતદાતાઓને જ વેક્સીન પહોંચાડશે. બાકીના લોકોનું શું? આ ભાજપ ભેદભાવભર્યો વ્યવહાર કરે છે. આ ઉપરાંત ભાજપ તો દેશમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યું છે. આની પહેલા આપણે જાતિ અને ધર્મના નામ પર દેશના ભાગ પાડતા હતા, પરંતુ હવે વેક્સીનના નામે ભાગલા પાડવામાં આવી રહ્યા છે.
બિહારવાસીઓને મફતમાં વેક્સીન મળશે
ભાજપે બિહાર ચૂંટણી માટે પોતાનો ઘોષણા પત્ર જાહેર કરી દીધો છે. પત્રમાં ભાજપે ઘોષણા કરી છે કે, દરેક બિહારવાસીઓને મફતમાં કોરોના વેક્સીન મળશે. કોરોના સામેની લડાઈમાં બિહારની એનડીએ સરકારે દેશ સામે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભાજપનો સંકલ્પ છે કે, આઈસીએમઆર દ્વારા કોરોનાની વેક્સીનની પરવાનગી મળતા જ તમામને પહોંચાડવામાં આવશે. દરેક બિહારવાસીઓ માટે વેક્સીન મફતમાં હશે.