નવી દિલ્હી: પૌરાણિક તેમ જ આધ્યાત્મિક નગરી અયોધ્યાના રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થઇ રહ્યો છે. અહીં યાત્રીઓની સુવિધા, સ્વચ્છતા અને વિવિધ સુવિધાઓ મળે તે માટે પ્રયાસ થઇ રહ્યો છે. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જન્મભૂમિ તેવી અયોધ્યા ભારતભરના લોકો માટે આસ્થા અને ભક્તિનું સ્થળ છે. અયોધ્યા રેલવે સ્ટેશનનો હાલ 104.77 કરોડ રૂપિયાના ખર્ચે કાયાકલ્પ થઇ રહ્યો છે.
આ સ્ટેશનના ભવનનું નિર્માણ રેલવેની રાઇટ્સના (RITES) ઉપક્રમે થઇ રહ્યું છે. આ સિવાય ભવનનું નિર્માણ બે ચરણોમાં થશે. પ્રથમ ચરણમાં પ્લેટફોર્મ સંખ્યા 1 અને 2/3નું વિકાસ કાર્ય, વર્તમાન સરકુલેટિંગ એરિયા અને હોલ્ડિંગ એરિયાનો વિકાસ થશે. બીજા ચરણમાં નવા સ્ટેશન ભવનનું નિર્માણ અને અન્ય સુવિધાઓના નિર્માણનું કાર્ય કરવામાં આવશે.
પ્રતિક્ષાલય સુવિધાનો વિસ્તાર કરીને અહીં 3 એસી વિશ્રામાલય બનાવવામાં આવશે. આ સિવાય 17 બેડ વાળી પુરુષ ડોરમેટ્રી, 10 બેડ વાળી મહિલા ડોરમેટ્રી બનાવવામાં આવી છે. વધારાતા ફૂટઓવર બ્રિજ, ફૂડ પ્લાઝા, દુકાનો, અતિરિક્ત શૌચાલય પણ બનાવવામાં આવશે.
સ્ટેશન પર પર્યટક કેન્દ્ર, ટેક્સી બુથ, શિશુ વિહાર, વીઆઇપી લોન્જ, સભાગાર અને અતિ વિશિષ્ટ અતિથિ ગૃહનું નિર્માણ કાર્ય અને વિકાસ કાર્ય પણ પ્રગતિ પર છે. આ સમસ્ત વિકાસકાર્યોની પણ સમીક્ષા થતી રહે છે.