નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ મીડિયા સાથે સ્થાનિક એરલાઇન શરૂ કરવા વિશે વાત કરી હતી. તેમણે માહિતી આપી કે 25 મે થી હવાઇ સેવા શરૂ કરવામાં આવશે. તેમજ તેમણે કહ્યું કે, 5 મેના રોજ અમે વંદે ભારત સેવા શરૂ કરી લગભગ 20 હજાર ભારતીય નાગરિકોને પરત લાવ્યા છીએ. આ સાથે જ નાગરિકોને વિદેશથી લાવવાની કામગીરી હજી પણ ચાલુ છે.
હરદિપ સિંહે કહ્યું કે, અમે બીજા અઠવાડિયામાં વંદે ભારત અંતર્ગત વિમાનોની સંખ્યામાં વધારો કર્યો છે. અમે લોકોને પાછા લાવવાની સંખ્યા વધારવાનું વિચારી રહ્યા છીએ. એર ઇન્ડિયા ઉપરાંત ખાનગી એર કંપની પણ આ કામમાં જોડાઈ રહી છે. ઉમેર્યું કે 25 મે થી ઘરેલુ ઉડાન સેવા પ ણશરૂ કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ઘરેલુ ઉડાન સેવા શરૂ થયાં બાદ તેના અનુભવના આધારે અને આંતરરાષ્ટ્રીય ઉડાન અંગે વિચાર કરીશું. તેમજ મુસાફરી અંગે કહ્યું કે આરોગ્ય સેતુથી નિશ્ચિત કરવામાં આવશે કે યાત્રી કોરોનામુક્ત છે કે નહી, જો યાત્રીમાં કોઈ પણ શંકાસ્પદ લક્ષણ જણાશે તો તેને યાત્રા કરવાની અનુમતિ આપવામાં આવશે નહી.
યાત્રીઓએ માસ્ક અને સેનિટાઈઝનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે. યાત્રા દરમિયાન એરલાઈન્સમાં યાત્રીને ભોજન આપવામાં આવશે નહી, પંરતુ તેમની સીટો પર પાણીની બોટલ ઉપલબ્ધ કરાવાશે. તેમજ યાત્રીઓએ પ્રસ્થાન સમયના 2 કલાક પહેલા રિપોર્ટ કરાવાનો રહેશે.