- સેના જવાનનો ગણવેશ પહેરીને ફરતા 11 યુવાનોની ધરપકડ
- એરપોર્ટ નજીક રસ્તા પર ઉભા રહને પેટ્રોલિંગ કરતા હતા
- ધિમાન કૃષ્ણ નામના શખ્સે લશ્કરી ગણવેશ પહેરવા જણાવ્યું હતું
ગુવાહાટી: આસામ પોલીસે સેના જવાનનો ગણવેશ પહેરીને ફરતા 11 યુવાનોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આ તમામ યુવાનોને સોમવારે મોડી રાત્રે ગુવાહાટીના અઝરાથી સેના જવાન તરીકે ગોપીનાથ બોરદોલોઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક રસ્તા પર ઉભા રહને પેટ્રોલિંગ કરતા હતા. જે કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ધિમાન કૃષ્ણએ પોતાને ભારતીય સૈન્યનો ઉચ્ચ અધિકારી ગણાવ્યો
પકડાયેલા યુવકોએ બાદમાં સ્વીકાર્યું કે, તેમને ધિમાન કૃષ્ણ નામના શખ્સે લશ્કરી ગણવેશ પહેરવાનું કહ્યું હતું. ધિમાન કૃષ્ણએ પોતાને ભારતીય સૈન્યનો ઉચ્ચ અધિકારી ગણાવી આ યુવાનોનો સંપર્ક સાધ્યો હતો. ધિમાને યુવાનોને જણાવ્યું કે, ભારતીય સેનામાં સિવિલ સૈનિક પદ પર તેમની નિમણૂક કરવામાં આવી છે.
11 યુવાનો એરપોર્ટ નજીક શેરીઓમાં પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા
આ બાબતે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 11 યુવાનો એરપોર્ટ નજીક શેરીઓમાં પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા. આ યુવાનો ગેરકાયદેસર રીતે સેના જવાનનો ગણવેશ પહેરતા હતા. હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ 11 યુવકો એક મહિના કરતા વધુ સમયથી આ કામ કરતા હતા.
પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, ધિમાન કૃષ્ણ દ્વારા તેમને ષડયંત્ર હેઠળ ફસાવ્યા
આ દરમિયાન ધરપકડ કરાયેલા યુવકોના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, ધિમાન કૃષ્ણ દ્વારા તેમને ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યા છે. આ સાથે પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, પોતાની ઓળખ સેના અધિકારી તરીકે આપતા ધિમાન કૃષ્ણએ તેમને આર્મી સિવિલ સૈનિક તરીકે નિયુક્ત કર્યા હતા. તેમને નિર્દોષ છે અને તેમને છોડી દેવા માટે માગ કરી છે.