ડિબ્રુગઢ (આસામ): આસામમાં અવિરત વરસાદને કારણે ભૂગર્ભની સ્થિતિ વધુ વણસી છે અને પૂરનું પાણી હવે રાજ્યના 16થી વધુ જિલ્લાઓને અસર કરી રહ્યું છે. બ્રહ્મપુત્રા નદીના વધતા જતા સ્તરે રાજ્યના લોકોનું જન જીવન ખોરવાયું છે.
મીડિયા સાથે વાત કરતાં ડિબ્રુગઢના ડેપ્યુટી કમિશનર પલ્લવ ગોપાલ ઝાએ જણાવ્યું કે, "સતત વરસાદ અને બ્રહ્મપુત્રાના વધતા સ્તરને કારણે પૂર આવવાથી લગભગ 25,000 લોકો અસરગ્રસ્ત થયા છે. અમે જિલ્લાઓમાં 14 રાહત કેમ્પ ઉભા કર્યા છે. ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈનું ઘરની અંદર પૂરનું પાણી આવતા, અમે તેમને અને તેમની બિમાર માતાને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે."
મુખ્યત્વે ડિબ્રુગઢમાં આવેલા પૂરથી શહેરને આ અઠવાડિયાની શરૂઆતમાં સ્ટેન્ડ બાય કરવામાં આવ્યું હતું. મોટાભાગના રસ્તાઓ, ખાસ કરીને શહેરના ઉત્તર તરફ, પાણી ભરાયા છે. રૂપાઈ ટી એસ્ટેટ નજીક, ડાંગોરી નદીના પૂરના પાણીથી એક RCC પુલ ધોવાઈ ગયો હતો.
આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એએસડીએમએ)ના અધિકારીઓએ જણાવ્યું છે કે, જિલ્લા અધિકારીઓએ છ જિલ્લાઓમાં 142 રાહત કેમ્પ અને વિતરણ કેન્દ્રો સ્થાપ્યા છે, જ્યાં 18,000 લોકો આશ્રય લઇ રહ્યા છે.
નોંધનીય છે કે, ‘પોબીટોરા’ વન્યપ્રાણી અભયારણ્યમાં પણ પૂરનું પાણી આવી ગયું છે, જેમાં 100થી વધુ ગેંડા, 1,500 જંગલી ભેંસ અને હજારોની સંખ્યામાં પ્રાણીઓ વસવાટ કરે છે. ઉપરાંત, આશરે 12,000 હેક્ટર ખેતરાઉ જમીનમાં પૂરના પાણી આવતા ઘણું નુકસાન થયું છે.