ગુવાહાટીઃ આસામમાં પૂરને કારણે ભારે વિનાશ થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી આસામમાં સતત વરસાદ અને પૂરને કારણે 27 જિલ્લાના લગભગ 33 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એએસડીએમએ) ના અહેવાલ મુજબ, વિવિધ પૂરગ્રસ્ત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 લોકોનાં મોત પણ થયાં છે. એએસડીએમએ અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંગળવારે 44 હજાર લોકોએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયેલા વિવિધ રાહત શિબિરોમાં આશરો લીધો હતો. પૂરના પાણીથી એક લાખ હેક્ટરથી વધુ કૃષિ જમીનને નુકસાન થયું છે.
એનડીઆરએફ અને એસડીઆરએફના સહયોગથી જિલ્લા વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખી છે. છેલ્લા 24 કલાકમાં સાત હજારથી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. કેન્દ્રીય જલ આયોગે જણાવ્યું હતું કે બ્રહ્મપુત્રા, જિયા ભરાલી, ધનસિરી, બેકી, કુશીરા સહિત રાજ્યની અનેક નદીઓ વિવિધ સ્થળોએ ભયજનક સ્તરથી ઉપરથી વહી રહી છે.