ન્યૂ દિલ્હીઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દેશભરના લોકોએ તેમના માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું છે. આ વચ્ચે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે અમિતાભ બચ્ચન માટે પ્રાર્થના કરી હતી. સીએમ કેજરીવાલે અમિતાભ બચ્ચન વિશે લખ્યું છે કે, સર અમે લોકો તમારા જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છીએ. કરોડો પ્રાર્થનાઓની શક્તિ તમારી સાથે છે.

અરવિંદ કેજરીવાલની પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધન, નિતિન ગડકરી, મમતા બેનર્જી, દેવેન્દ્ર ફડણવીસ, પ્રકાશ જાવડેકર અને રાજનૈતિક હસ્તિઓ પણ અમિતાભ બચ્ચનના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને ટ્વીટ કરી કહ્યું કે, હું તમારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરૂં છું. તમે દેશમાં લાખો લોકોની પ્રેરણા છો, એક પ્રતિષ્ઠિત સુપરસ્ટાર...તમારા સ્વાસ્થ્યમાં જલ્દી જ સુધારો થાય તેવી શુભકામનાઓ...

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે અમિતાભ બચ્ચનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી. પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરી કહ્યું કે, તમારા સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો આવે અમિતાભ બચ્ચનજી.
