નવી દિલ્હી: લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ બંન્ને વચ્ચે તણાવ ચાલુ છે. આ દરમિયાન સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ શુક્રવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી.
આપને જણાવી દઇએ કે, સેના પ્રમુખ નરવણેએ બુધવારે પૂર્વી લદાખમાં દેશની ફ્રન્ટ પોસ્ટનું નિરીક્ષણ કર્યું હતું તેમજ બંને દેશ વચ્ચે થયેલા હિંસક તણાવને ધ્યાનમાં લઇને વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. લદ્દાખના પ્રવાસ દરમિયાન જનરલ નરવણેએ સૈનિકોના ઉચ્ચ મનોબળ માટે તેમની પ્રશંસા કરી હતી અને પ્રોત્સાહિત કર્યા હતા. ભારતીય સેનાએ એક ટ્વિટ દ્વારા આ માહિતી આપી હતી.
મંગળવારે બે દિવસીય મુલાકાતે લેહ પહોંચ્યા પછી જનરલ નરવણેએ આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં ગલવાન ઘાટીમાં 15 જૂનના રોજ થયેલી હિંસક અથડામણમાં ઘાયલ થયેલા 18 સૈનિકોની સારવાર ચાલી રહી છે. તેમણે ઘાયલ સૈનિકોના હાલચાલ પુછ્યા હતા.