નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભાજપ ઉમેદવાર શિખા રાય માટે પ્રચાર કર્યો. જેમાં તેમણે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આડે હાથ લીધા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે, કેજરીવાલ સરકાર શિક્ષણ ક્ષેત્રમાં વિકાસના દાવા કરી રહી હતી, જે જૂઠ્ઠાણું નિકળ્યું.
વિકાસનું સત્ય કાંઈક અલગ
અમિત શાહે કહ્યું કે, ભાજપના 8 સાંસદોએ દિલ્હી સરકાર દ્વારા બનાવવામાં આવેલી શાળાઓની મુલાકાત લીધી હતી. જેમાં દિલ્હી સરકારના દાવા પોકળ સાબિત થયા છે. ઘણી જગ્યાએ ટાઈલ્સ તૂટેલી મળી તો, ઘણી જગ્યાએ પાણી પીવાના સ્થળે ગંદકી જોવા મળી હતી. શિક્ષણના ક્ષેત્રમાં વિકાસના નામે દિલ્હી સરકાર મત માગી રહી છે, પરંતુ તેનું સત્ય કાંઈક અલગ જ છે.
કેન્દ્ર સરકારના ફંડ દ્વારા લગાવવામાં આવ્યા CCTV કેમેરા
તેમણે કહ્યું કે, દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે, તે સમગ્ર દિલ્હીમાં 15 લાખ CCTV કેમેરા લગાવશે, પરંતુ તેની તપાસ કરવામાં આવી તો 1.5 લાખ કેમેરા જ લગાવેલા જોવા મળ્યા અને તે પણ કેન્દ્ર સરકારના ફંડ દ્વારા લગાવવામાં આવ્યા છે. એવામાં જ્યારે મુખ્ય પ્રધાનને પ્રશ્ન પુછવામાં આવ્યો, તો તેમણે ખુદને બચાવીને જવાબ આપ્યો કે દિલ્હીનું અપમાન ન કરો. ગૃહ પ્રધાને જનતાને વિનંતી કરી કે, કેજરીવાલ ખુદને દિલ્હી સમજે છે અને એવામાં જરૂરી છે કે, તેમને જમીન પર લાવવામાં આવે.