અમિત શાહે અહીં પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારે સાંગલી જિલ્લામાં 11 લાખ ખેડૂતોના દેવા માફ કર્યા છે. 1.17 લાખ ગરીબોના ઘરમાં શૌચાલય બનાવ્યા છે. 46000 મહિલાઓને ગેસ કનેક્શન આપ્યું છે. 38000 ઘરોમાં પ્રથમ વખત વિજળી પહોંચાડવાનું કામ કર્યું છે.
ભાજપ સરકારની ઉપલબ્ધીઓ ગણાવતાની સાથે સાથે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી ત્યારે એનસીપી અને કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો.
શાહે આગળ જણાવ્યું કે, કોંગ્રેસ અને એનસીપીએ 370 હટાવવાનો વિરોધ કર્યો હતો, તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે, કાશ્મીરમાં લોહીની નદીઓ વહી રહી છે. 5 ઓગસ્ટ 2019ના દિવસે 370 હટાવી અને 5 ઓક્ટોબર પણ વીતી ગઈ. લોહીની નદીઓ તો છોડો, કાશ્મીરમાં એક ગોળી પણ નથી ચલાવી પડી.
વધુમાં આગળ જણાવ્યું કે, કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં જ્યારે કોંગ્રેસ-એનસીપીની સરકાર હતી ત્યારે મહારાષ્ટ્રને 5 વર્ષમાં ફક્ત 1 લાખ 15 હજાર 500 કરોડ રુપિયા આપ્યા હતા. પણ તમે મોદીજી અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર બનાવી અને મોદીજીએ 2 લાખ 86 હજાર 356 કરોડ રુપિયા મહારાષ્ટ્રના વિકાસ માટે આપી દીધા છે.