નવી દિલ્હી: બુલંદશહેરમાં અકસ્માતમાં દાદરીની સુદિક્ષા નામની યુવતીનું મોત નીપજ્યું હતું. તે અમેરિકામાં અભ્યાસ કરતી હતી. તેણે ચાર કરોડની શિષ્યવૃત્તિ પણ મેળવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેટલાક બાઇક સવાર તેની પાછળ આવી રહ્યાં હતાં. આમ, બુલંદશહેરમાં છેડતીથી બચવાના પ્રયાસમાં વિદ્યાર્થિનીનું અકસ્માતમાં મોત થયું હતું. આ યુવતી USમાં અભ્યાસ કરતી હતી. જે લોકડાઉનમાં ઘરે આવી હતી.
ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં છેડતીથી બચવાના પ્રયાસમાં એક વિદ્યાર્થિનીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ ઘટના યુપીના ગઢ હાઇવે પર આવેલા ચરોરા મુસ્તફાબાદ ગામ નજીક સોમવારે સવારે 11 વાગે બની હતી. જેમાં મૃતક વિદ્યાર્થિનીનું નામ સુદીક્ષા ભાટી છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, કેટલાક બાઇકસવાર બદમાશો તેની છેડતી કરી રહ્યાં હતાં. અકસ્માતમાં સુદીક્ષાના કાકા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
યુવતી સુદીક્ષા પોતાના કાકા નિગમ ભાટી સાથે બાઈક પર મામાના ઘરે માધવગઢ જઈ રહી હતી. બુલંદશહેર-ગઢ હાઇવે પર આવેલા ચરોરા મુસ્તફાબાદ ગામ નજીક પહોંચ્યા ત્યારે તેમની બાઈક અન્ય બુલેટ સવાર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 17 વર્ષની સુદીક્ષાનું ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયું હતું. જ્યારે કાકા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત સર્જી બુલેટસવાર ફરાર થઇ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત કાકાને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
મૃતક સુદીક્ષાના પરિવારજનોએ આરોપ છે કે, બુલેટ સવાર યુવક વારંવાર સ્કૂટીને ઓવરટેક કરી રહ્યાં હતાં. બુલેટ સવાર યુવકોએ સ્કૂટીની સામે અચાનક બ્રેક મારી હતી, જેના કારણે કાકા નિગમે સ્કૂટી પરનો કંટ્રોલ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સુદીક્ષા અને કાકા નિગમ રસ્તા પર પટકાયા હતા. જેમાં સુદીક્ષાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. હાલમાં કાકા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.