નવી દિલ્હી: ભારતીય હજ કમિટીના મુખ્ય કાર્યકારી અધિકારી મકસુદ અહમદ ખાને બુધવારે કહ્યું હતું કે, કોરોના વાઇરસ રોગચાળાને કારણે આ વર્ષે હજ યાત્રા રદ થયા બાદ તમામ યાત્રાળુઓ દ્વારા ભરવામાં આવેલા નાણાં પરત કરવામાં આવશે.
લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ મંગળવારે કહ્યું હતું કે, કોરોનાને કારણે ભારતના મુસ્લિમો આ વર્ષે હજ 2020 માટે સાઉદી અરેબિયા નહીં જઇ શકે. સાઉદી અરેબિયાની વિનંતી પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હજ કમિટીના સીઈઓ મકસુદ અહમદ ખાને ઇટીવી ઈન્ડિયાને જણાવ્યું હતું કે, 'અરજદારોના બેન્ક ખાતાઓમાં નાણાં એક મહિનાની અંદર ઑનલાઇન ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) મોડ દ્વારા પરત કરવામાં આવશે અને તેઓએ તેમની યાત્રા રદ કરવા માટે અરજી કરવાની કોઇ જરૂર રહેશે નહીં '.
આ વર્ષે હજ યાત્રા માટે પસંદ કરાયેલા યાત્રીઓને પસંદ કરવામાં આવ્યા છે. શું 2021માં આ અનામત રહેશે કે, કેમ તે અંગેના સવાલ પર ખાને કહ્યું હતું કે, 'આ બધાનો નિર્ણય આવતા વર્ષે હજ કમિટીમાં લેવામાં આવશે. અમે આ મામલે કોઈ નિર્ણય કર્યો નથી.’
જોકે, નકવીએ મંગળવારે કહ્યું કે, આ વર્ષે મેહરામ (પુરુષ સાથી) વગર 2300થી વધુ મહિલાઓએ હજ માટે અરજી કરી હતી. તે મહિલાઓને 2020ની અરજીના આધારે હજ 2021 માટે અનુમતિ આપવામાં આવશે.
ભારતથી સાઉદી અરેબિયાની હજ ફ્લાઇટ્સ 25 જૂનથી શરૂ થવાની હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માર્ચમાં સ્થગિત કરવામાં આવી હતી અને આગળની સૂચના ન મળે ત્યાં સુધી હજની યોજનાઓ બંધ રાખવાનું કહેવામાં આવ્યું હતું.