બેંગલૂરુઃ મધ્ય પ્રદેશમાં છેલ્લા સાત દિવસથી ચાલી રહેલા રાજકીય નાટકમાં સોમવારે મોટો વળાંક આવ્યો છે. મોડી રાત્રે યોજાયેલ કેબિનેટની બેઠકમાં 18 પ્રધાનોએ કમલનાથને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. અન્ય 4 પ્રધાન આજે મંગળવારે પોતાના રાજીનામા આપી શકે છે. જોકે, બીજી તરફ સિંધિયા જૂથના 6 પ્રધાન બેંગાલુરુ ગયા બાદ સરકાર પર આવેલા સંકટનું સમાધાન શોધવા માટે કમલનાથે કેબિનેટની બેઠક બોલાવી હતી. આ સાથે 12 ધારાસભ્યો પણ બેંગાલુરુ ગયા છે. સમગ્ર ઘટનાક્રમ વિશે કમલનાથે કહ્યું કે, માફિયાઓની મદદથી અમારી સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પણ હું એને સફળ થવા નહીં દઉ.
બીજી તરફ જ્યોતિરાદિત્ય સિંધિયા હજું દિલ્હીમાં જ છે. સિંધિયા સચિન પાયલટ સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ ગાંધી રાત્રે 12 વાગ્યે સોનિયા ગાંધીને મળવા માટે પહોંચ્યા હતાં. કહેવામાં આવી રહ્યું છે કે, મધ્ય પ્રદેશમાં સરકાર પર આવેલા સંકટને ટાળવા માટે સિંધિયાને મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવે શકે છે. કમલનાથે આજે મંગળવાર સાંજે 5 વાગ્યે ધારાસભ્યોની બેઠક બોલાવી છે. બીજી તરફ ભાજપે પણ મંગળવારે જ ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવી છે. શિવરાજસિંહ ચૌહાણને તેમાં નેતા તરીકે ચૂંટવામાં આવી શકે છે. દરમિયાન રાજ્યપાલ લાલજી ટંડને પણ પોતાની રજાઓ રદ કરી છે. તેઓ આજે મંગળવારે ભોપાલ પહોંચશે.
જાણો સમગ્ર ઘટનાક્રમ
સિંધિયા જૂથની નારાજગી બાદ સરકાર અસ્થિર થવાનું જોમખ ઉભુ થયું હતું. જો કે હાલ કમલનાથ પર ભરોસો વ્યક્ત કરતા પ્રધાનોએ રાજીનામા આપ્યા છે, જેથી હાઇકમાન્ડ કોઇપણ પ્રકારના દબાણમાં ન આવે તેવો સ્પષ્ટ મેસેજ પહોંચેે. રાજીનામા આપતા હવે કમલનાથ પોતાની મરજી અનુસાર કેબિનેટનું વિસ્તરણ કરી શકશે. જેથી તેઓ નારાજ નેતાઓને રાજી કરી સરકારને સ્થિરતા આપી શકે.
સિંધિયા જૂથમાં સામેલ નારાજ ધારાસભ્યોમાં સમાજવાદી પાર્ટી, બસપા, અને અપક્ષ ધારાસભ્યો પણ છે. કમલનાથે સોમવારે દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ કમલનાથે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સાથે ઘણા મુદ્દા પર ચર્ચા થઇ છે. જેમના માર્ગદર્શનનું હું પાલન કરીશ.
16 માર્ચથી શરૂ થઈ રહેલા મધ્યપ્રદેશ વિધાનસભા સત્રના પ્રથમ દિવસે ભાજપ કમલનાથ સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે અને આ ધારાસભ્યોની મદદથી અવિશ્વાસ પ્રસ્તાવને પાસ કરાવી કમલનાથ સરકારને પાડવામાં આવશે.
રાજ્યસભા ચૂંટણી કારણભૂત
એક તરફ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ બીજેપી પર સરકાર પાડવા તમામ પ્રયત્નો કરતી હોવાનો આરોપ લગાવી રહી છે. આ સ્થિતિમાં સિંધિયાની બીજેપીના નેતાઓ સાથે મળવાની ઘટના રાજકીય રીતે ઘણી મહત્વની માનવામાં આવે છે. મધ્ય પ્રદેશમાં હાલ જે રાજકીય ઘટનાક્રમ થઈ રહ્યો છે તેની પાછળ રાજ્યસભા ચૂંટણી મૂળ કારણ માનવામાં આવે છે.
MP વિધાનસભાનું ગણિત
મધ્યપ્રદેશ વિધાનસભામાં 230 સીટ છે. જેમાંથી હાલ બે સીટ ખાલી છે. હાલ રાજ્યમાં કુલ 228 ધારાસભ્યો છે. જેમાંથી કોંગ્રેસના 114, ભાજપના 107, અપક્ષના બે, બહુજન સમાજ પાર્ટીના બે અને સમાજવાદી પાર્ટીનો એક ધારાસભ્ય છે. કોંગ્રેસને અપક્ષના ચાર અને બીએસી તથા સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોનું સમર્થન છે. સિંધિયા પાસે 10 ધારાસભ્યો છે. જેથી ભાજપ સક્રિય થયું છે. ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા સાથે મુલાકાતા કર્યા બાદ શિવરાજ સિંહ ચૌહાણએ ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન ભાજપ નેતા નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહ્યાં હતા. તાજેતરમાં બેંગલૂરુમાં બાગી કોંગ્રેસના ધારાસભ્યોને સાથે મધ્ય પ્રદેશના ઈન્ચાર્જ વિનય સહસ્ત્રબુદ્વેએ મુલાકાત કરી હતી. નોંધનીય છે કે, આજે બેંગલૂરુમાં કોંગ્રેસના બાગી ધારાસભ્યો પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.