નવી દિલ્હી : મધ્ય પ્રદેશનું રાજકારણ છેલ્લા એક અઠવાડીયાથી ચર્ચામાં હતું. જેમાં આખરે આ રાજકારણનો અંત 20 પ્રધાનોના રાજીનામા સાથે આવ્યો હતો. આ તકે આ તમામ પ્રધાનોના રાજીનામાનો સ્વિકાર પણ કરી લીધેલો છે.
જ્યારે આ તકે કમલનાથના નજીકના સુત્રોના જણાવ્યાં અનુસાર બેગ્લુરૂ ગયેલા ધારાસભ્યો પક્ષમાં પરત ફરશે. ખાનગી એજન્સીઓના જણાવ્યાં અનુસાર કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવાઇ છે.
આ વચ્ચે રાજ્યના વન પ્રધાન ઉમંગ સિંધારે કહ્યું કે કેબિનેટ બેઠકમાં ઉપસ્થિત તમામ 20 પ્રધાનોએ મુખ્ય પ્રધાનને રાજીનામા સોંપી દીધા છે. મુખ્ય પ્રધાન હવે ફરી મંત્રી મંડળનું પુનર્ગઠન કરી શકે છે.
વધુમાં જણાવતા સિંધારે કહ્યું કે, ' અમે બધા સાથે જ છીએ. જ્યોતિરાદિત્ય સિંધિયા પણ કોંગ્રેસની સાથે જ છે. જો પ્રધાનોના મંડળનું વિસ્તરણ થશે તો સરકાર સુરક્ષિત છે તેવુ પણ એક અંશે કહી શકાય. આ તમામ રાજીનામા બાદ રાહુલ ગાંધી દિલ્હી સ્થિત સોનિયા ગાંધીના નિવાસ સ્થાન ખાતે પહોંચ્યાં હતાં.
મહત્વની જો વાત કરવામાં આવે તો મધ્ય પ્રદેશમાં 228 વિધાનસભા બેઠક છે. જેમાંથી કોંગ્રેસ પાસે 114 ધારાસભ્યો છે. જેમાંથી કોંગ્રેસને 4 નિર્દલીય, 2 બસપા અને એક એસપીના ધારાસભ્યોનું સમર્થન મળ્યુ છે જેના સહારે કોંગ્રેસ પાસે હાલમાં 121 ધારાસભ્યોનું સમર્થન છે. જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્યો છે.
આ સમગ્ર માહોલ વચ્ચે બંને પક્ષો આજરોજ ધારાસભ્યો સાથે એક બેઠક બોલાવી શકે છે. જેમાં મહત્વના નિર્ણય લઇ શકે છે.